

કિર્તેશ પટેલ, સુરત : ખાવાના ફાંફાં પડે ત્યારે માણસ શું કરવા મજબૂર બને તેવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીં આર્થિક ભીંસને કારણે એક યુવક પોતાની કિડની વેચવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. યુવક સીધો જ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પાસે પહોંચી ગયો હતો અને કહ્યું હતું કે, સાહેબ, મારે મારી કિડની વેચવી છે. જે બાદ ચોંકી ઉઠેલા ડોક્ટરે યુવકને સમજાવ્યો હતો અને ઘરે પરત મોકલ્યો હતો.


આર્થિક ભીંસથી કિડની વેચવા મજબૂર થયો યુવક : મળતી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મંગળવારે એક યુવક આવ્યો હતો અને ટ્રોમા સેન્ટર ખાતે હાજર મેડિકલ ઓફિસરને પોતાની કિડની વેચવાની વાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે યુવક પરપ્રાંતિય હતો તેમજ સુરતમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે.


શા માટે કિડની વેચવા મજબૂર થયો યુવક? : યુવકે મેડિકલ ઓફિસરને વર્ણવેલી વ્યથા પ્રમાણે તે શહેરની ડાઇંગ મિલમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરે છે. જે માટે તેને આશરે રૂ. 9000 જેટલો પગાર મળે છે. પગારમાંથી પોતે ખર્ચ માટે રૂ. 4000 જેટલી રકમ રાખીને બીજી રકમ પોતાના પરિવારને મોકલે છે. યુવકના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે બાળકી છે. પરિવારના નિર્વાહ માટે રૂ. 5000ની રકમ ઓછી પડતા તેણે પોતાની કિડની વેચવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.


યુવક મિત્ર સાથે સિવિલમાં પહોંચ્યો હતો : આ યુવક પોતાના એક મિત્ર સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મિત્રની તબીયત સારી ન હોવાથી તે તેને લઈને સિવિલ પહોંચ્યો હતો. યુવકે સાંભળ્યું હતું કે કિડની વેચવાથી પૈસા મળે છે. જે બાદમાં તેણે નવી સિવિલ ખાતે હાજર મેડિકલ ઓફિસરને પોતાની કિડની વેચવાની વાત કરી હતી. યુવકની વાત સાંભળીને ચોંકી ઉઠેલા મેડિકલ ઓફિસરે યુવકને સારું કામ કરવાની સલાહ આપી હતી તેમજ કિડની વેચવા અંગેના કાયદાનું જ્ઞાન આપ્યું હતું.