અમેરિકાના ટેક્સાસના એક ઘરમાંથી એક 37 વર્ષીય મહિલા અને બે કિશોરીઓનાં ગોળી મારીને હત્યા કરાયેલાં મૃતદેહ મળી આવ્યાં છે. ગુરુવારે મળી આવેલા ત્રણેય મૃતદેહનો ભેદ ઉકેલવા માટે પોલીસે લોકોની મદદ માંગી છે. મહિલાનો બોયફ્રેન્ડ ગુરુવારે સવારે નવ વાગ્યે(અમેરિકન સમય) જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે સૌપ્રથમ વખત ઘરમાં ત્રણ મૃતદેહ પડેલા જોયા હતા.
તપાસમાં માલુમ પડ્યું છે કે ત્રણેય પીડિતોનાં શરીરના ઉપરના ભાગે ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગવાથી ત્રણેયનાં મોત ઘરે જ થઈ ચુક્યા હતા. પોલીસે આ મામલે મહિલાનો અન્ય બે કિશોરીઓ સાથે શું સંબંધ છે તે જણાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, સ્થાનિક મીડિયાને જણાવ્યા પ્રમાણે મહિલાનું નામ નિકોલ એલ્સેન છે, તેમજ તેણી ત્રણ બાળકોની માતા છે.
આ કેસમાં પોલીસે મહિલાની સાથે જ રહેતા તેના બોયફ્રેન્ડની પૂછપરછ કરી હતી. જોકે, તેના બોયફ્રેન્ડે પણ કોઈ ઉપર શંકા વ્યક્ત કરી ન હતી. પોલીસે વધુમાં કહ્યું કે, "હત્યાના શંકાસ્પદ વ્યક્તિ વિશે હાલના તબક્કે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. પરંતુ એટલું નક્કી છે કે જે રાત્રે હત્યા થઈ હતી તે રાત્રે મહિલાનો બોયફ્રેન્ડ હાજર ન હતો, તે બીજે ક્યાંક રોકાયો હતો. તે સવારે ઘરે પરત ફર્યો ત્યારે તેને ઘરમાં ત્રણ લોકોની હત્યા થઈ ગયાનું માલુમ પડ્યું હતું."