પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. ભારતની સાથે વ્યાપારિક સંબંધો ખતમ કર્યા બાદથી તેની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. એવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સરકારમાં કોસ્ટ કટિંગ કરી રહ્યા છે. દેવાળિયા થવાના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનમાં સરકારે નવી નોકરીઓ પર રોક મૂકી દીધી છે. હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર વિકાસલક્ષી યોજનાઓને છોડીને અન્ય કોઈ પણ કામ માટે કોઈ નવા રોજગારનું સર્જન નહીં કરે.
પાકિસ્તાનના અખબાર 'ડૉન'ના રિપોર્ટ મુજબ, ઈમરાન સરકારે ઓફિશિયલ મીટિંગ દરમિયાન રિફ્રેશમેન્ટમાં કાપ મૂક્યો છે. મીટિંગમાં આપવામાં આવતા ચા અને બિસ્કિટ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં ડાયાબિટિઝ કે અન્ય બીમારીઓનો સામનો કરી રહેલા અધિકારીઓ માટે કલાક મીટિંગમાં કંઈ ખાસ ખાધા-પીધા વગર બેસવું મુશ્કેલ થઈ શકે છે.
IMFએ 6 અબજ ડૉલરના પૅકેજને આપી મંજૂરી : આર્થિક સ્થિતિને સુધારવા માટે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)થી કેટલીક શરતો પર 6 અબજ ડૉલરના પૅકેજને મંજૂરી મળી છે. તેના માટે ઈમરાન સરકારે બજેટ ખાધ ઓછી કરવી પડશે. સાથોસાથ કેટલીક બીજી પણ કડક શરતો પૂરી કરવી પડશે. સરકારે બજેટ ખાધ ઓછી કરવા માટે કૉસ્ટ કટિંગ કર્યુ છે.