

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પ્રથમ વખત કોઈ ત્રણ મહિનાની બાળકીએ ભાગ લીધો હતો. આ બાળકી ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નની છે. ઓર્ડર્ન પોતાની ત્રણ મહિનાની બાળકી સાથે બેઠકમાં ભાગ લેવા માટે આવી પહોંચી હતી. બાળકીને જોઈને સમિટમાં ભાગ લેનારા અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ પણ બાળકી સમિટમાં આવી તેના પર ખુશી વ્યક્ત કરી હતી.


નેલ્સન મંડેલા શાંતિ સમિટમાં જ્યારે જેસિન્ડા આર્ડર્ન ભાષણ આપી રહી હતી ત્યારે તેની બાળકી તેના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ સાથે રમી રહી હતી. ઓર્ડર્ને 21મી જૂનના રોજ ઓકલેન્ડની એક હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તે છ મહિનાની મેટરનિટી લીવ પહેલા જ કામ પર પરત ફરી હતી.


નોંધનીય છે કે ઓર્ડર્ન, બેનઝીર ભૂટ્ટો પછી વિશ્વની બીજી એવી મહિલા વડાપ્રધાન છે જે પોતાના પદ પર રહેતા માતા બની છે. ક્લાર્કે પોતાની બાળકીના સુરક્ષા પાસનો ફોટોગ્રાફ્સ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ બેઠક ન્યૂયોર્કમાં મળી હતી. તેણે ટ્વિટર પર લખ્યું કે, "કાશ હું જાપાની ડેલિગેશનનું રિએક્શન જોઈ શકતો. પરંતુ આ દરમિયાન બાળકીની નેપી બદલવામાં આવી રહી હોવાથી હું જોઈ શક્યો ન હતો."


ઓર્ડર્ન ન્યૂઝીલેન્ડની સૌથી યુવા વડાપ્રધાન છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યુ કે, "અમે આ બાળકીને જોઈને ખૂબ ખુશ છીએ. વડાપ્રધાન ઓર્ડર્નને જોઈને માલુમ પડે છે કે વ્યવસાયી મહિલાએ પોતાના દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. વિશ્વમાં ફક્ત પાંચ ટકા મહિલા લીડર છે, આથી આપણે તેમનું વધારેમાં વધારે સ્વાગત કરવું જોઈએ."