

પુણે : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મહિલાએ રોજબરોજના ઘરના ઝઘડાથી કંટાળીને પોતાની 19 વર્ષની દીકરીની હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 34 વર્ષીય સંજીવની બોભતેએ તેની દીકરી રુતુજાની ભારે પથ્થરનો ઘા મારીને હત્યા કરી નાખી હતી. સંજીવની બારામતી શહેરના પ્રગતિનગર વિસ્તારમાં રહે છે.


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પીડિત છોકરી ગત વર્ષે એક અન્ય જ્ઞાતિના યુવક સાથે ભાગી ગઈ હતી, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાબતે યુવતીના માતાપિતાએ વિરોધ નોંધાવ્યો હતો. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા છે તે યુવકની નાણાકિય સ્થિતિ બહુ સારી ન હતી.


પોલીસના કહેવા પ્રમાણે, "લગ્નના થોડા મહિનાઓમાં જ પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા બાદ યુવતી તેના માતાપિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. યુવતીના માતાપિતાએ અનેક પ્રયાસો કર્યા હતા કે બંને વચ્ચે ફરીથી મનમેળ થાય પરંતુ યુવતીનો પતિ તેને પરત લઈ જવા માટે તૈયાર ન હતો."


આ દરમિયાન પીડિતાએ પોતાના પતિ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ બાબતે તેના પતિની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે બાદમાં તેણીએ તેની માતાને આગ્રહ કર્યો હતો કે તેણી આ મામલે દખલ કરે જેનાથી તે તેના પતિના ઘરે પરત ફરી શકે.


દીકરીની વિનંતી બાદ માતાપિતાએ તેના જમાઈનો ફરીથી સંપર્ક કર્યો હતો અને તેની દીકરીને તેની સાથે રાખવાનો આગ્રહ કર્યો હતો. એટલું જ નહીં તેની સામે દાખલ કરેલો બળાત્કારનો કેસ પણ પરત લેવાની વાત કરી. છેલ્લા થોડા દિવસોથી યુવતી અને તેની માતા વચ્ચે આ વાતને લઈને ઝઘડો ચાલતો હતો. યુવતી તેના માતાપિતા પર આરોપ લગાવી રહી હતી કે તેણી પતિ પાસે પરત ફરે તે માટે તેઓ કંઈ પ્રયાસ નથી કરી રહ્યા.