

નવીન ઝા, અમદાવાદ : શહેરમાં એક પરિવાર વ્યાજના ચક્કરમાં ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પૈસા આપનાર વ્યક્તિએ પૈસા વ્યાજે લેનાર વ્યક્તિની પત્ની પાસે બીભત્સ માગણી કરી હતી. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.


મળતી માહિતી પ્રમાણે ઓઢવ વિસ્તારના એક વ્યક્તિએ જયેશ ચાવડા નામના વ્યક્તિ પાસેથી એક લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જયેશ ચાવડા પર ગંભીર આક્ષેપ છે કે તેણે ફરિયાદી મહિલાના ઘરે જઈને તેની છેડતી કરી હતી તેમજ તેને એક રાત માટે સાથે આવવાનું પણ કહ્યું હતું. આ મામલે મહિલાએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.


આ ઘટના પ્રથમ સપ્ટેમ્બરના રોજ બની હતી. જયેશ ચાવડા પર આક્ષેપ છે કે તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને મહિલાના પતિ વિશે પૂછપરછ કરી હતી. મહિલાનો પતિ આ સમયે ઘરે હાજર ન હતો. જયેશ ચાવડાએ મહિલાને કહ્યું હતું કે, તારો પતિ મને પૈસા અને વ્યાજ આપતો નથી. આથી તું એક રાત માટે મારી સાથે આવી જા. આ સમયે મહિલાએ બૂમાબૂ કરતા આરોપી જયેશે ત્યાંથી ભાગી ગયો હતો.


આ કેસમાં બોગ બનનારી મહિલાનો પતિ પાસપોર્ટ અને વિઝા કાઢી આપવા માટે એજન્ટનું કામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. થોડા દિવસ પહેલા તેણે જયેશ પાસેથી ધંધાના કામ માટે રૂ. એક લાખ ઉછીના લીધા હતા. આના બદલામાં તેણે સંયુક્ત માલિકીની જમીનની બનાવખત પણ કરાવી લીધો હતો. આ મામલે પીડિત મહિલાના પતિએ જ્યારે પરત લખાણ લખી આપવાનું કહ્યું ત્યારે આરોપીએ તેની પાસેથી રૂ. 10 લાખની માગણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.