

ન્યૂઝ18 ગુજરાતી : દેશમાં હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી પચાસ ટકાથી વધુ એટીએમ નવી નિયમનકારી માર્ગદર્શિકાને કારણે બંધ પડી જવાની ભીતિ ઊભી થઈ છે. એટીએમ ખરેખર બંધ પડી જશે તો દેશની બેન્કો ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોમાં નાણાં કઢાવવા તથા અન્ય બેન્કિંગ પ્રવૃતિઓ હાથ ધરવા ધસારો વધી જવાની બેન્કરો શકયતા વ્યકત કરી રહ્યા છે.


એટીએમ તથા અન્ય ઓટોમેટેડ સેવાઓને કારણે બેન્કના ખાતેધારકો નાણાં કઢાવવા, નાણાં ભરવા અથવા પાસબુક લખાવવા જેવી પ્રવૃતિ બેન્કમાં પ્રત્યક્ષ રીતે જયા વગર હાલમાં મશીન મારફત કરી રહ્યા છે. અનેક બેન્કો આ બધી વ્યવસ્થા એક જ પ્રકારના મસીન મારફત પૂરી પાડી રહી છે.


બેન્કોમાં ડિજિટલ વ્યવહારો થઈ રહ્યા છે છતાં એટીએમ સેવાનો પણ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. પોતાની રોજબરોજની નાણાંકીય જરૂરિયાત માટેના નાણાં ખાતેધારકો એટીએમમાંથી જ કઢાવતા રહ્યા છે. ખૂદ બેન્કો પણ અમુક મર્યાદા સુધીના નાણાં એટીએમમાંથી જ કઢાવી લેવા ગ્રાહકોને જણાવતી હોય છે.


ફરજપાલન પાછળના નવા ફરજિયાત ખર્ચ અને નીચી ઈન્ટરચેન્જ ફી માટેના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ફતવાથી દેશમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં લગભગ ૧.૧૩ લાખ એટીએમ બંધ પડી જવાની શકયતા છે એમ એટીએમ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ધ કન્ફેડરેશન ઓફ એટીએમ ઉદ્યોગ (CATMi) દ્વારા દાવો કરાયો છે. જે એટીએમ બંધ પડી જવાનો ભય છે તેમાં અંદાજે એક લાખ ઓફ્ફસાઈટ અને ૧૫,૦૦૦ વ્હાઇટ લેબલ એટીએમનો સમાવેશ થાય છે. અત્યારે દેશમાં અંદાજે ૨,૩૮,૦૦૦ એટીએમ ઊભા કરાયેલા છે.


નવી નિયમનકારી માર્ગદર્શિકાના પાલન માટે બેન્કોએ તેમના એટીએમ્સને અપગ્રેડ કરવાના રહે છે. બેન્કિંગ વ્યવસ્થામાં અનેક પ્રવૃતિઓ છેલ્લા કેટલાક વર્ષોથી મસીન મારફત થવા લાગી છે તેને કારણે બેન્કોએ પણ પોતાના કર્મચારીબળની સંખ્યા મર્યાદિત બનાવી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં જો ગ્રાહકો ફરી બેન્કોમાં આવવાનું શરૂ કરશે તો, બેન્કોમાં ધસારો થવા લાગશે જેને પહોંચી વળવાનું મુશકેલ બનશે એવી પણ તેમણે ચિંતા વ્યકત કરી હતી.


છેલ્લા કેટલાક સમયથી નવા એટીએમના ઉમેરા ઘટી ગયા છે ત્યારે બેન્કો માટે ફરી બેક ટુ પેવેલિયન જેવી સ્થિતિ ઊભી થતા વાર નહીં લાગે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. એટીએમમાંથી વ્યક્તિ જરૂર પડે ત્યારે ગમે ત્યાંથી નાણાં કઢાવી શકે છે.