

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર શ્રેણી જીતનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. આ સફળતા ફક્ત વિરાટ કોહલી માટે જ નહીં ભારતીય ક્રિકેટ માટે પણ મોટી સફળતા છે. આ જીતે વિદેશી ધરતી કેપ્ટન તરીકે વિરાટનું કદ ઘણું ઉંચુ કરી દીધું છે. કોહલી વર્તમાનમાં સૌથી બેસ્ટ બેટ્સમેન છે અને તેની રન બનાવવાની આવી જ ઝડપ ચાલું રહી તો આગામી કેટલાક વર્ષોમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર કરતા પણ આગળ નિકળી જશે.


સિડનીમાં બે દિવસ વરસાદ વિધ્નરુપ ન બન્યો હોત તો વિરાટ ભારતીય ક્રિકેટના મહાન કેપ્ટનમાં સામેલ સૌરવ ગાંગુલીને પાછળ રાખીને વિદેશમાં ટીમને જીત અપાવવાના મામલે આગળ નિકળી ગયો હોત. ગાંગુલી અને વિરાટે વિદેશમાં 11-11 મેચમાં જીત મેળવી છે. ઓવરઓલ જીતમાં મહેન્દ્રસિંહ ધોની કરતા એક જીત પાછળ છે. જોકે કોહલી સુકાની બન્યો ને હજુ ચાર વર્ષ જ થયા છે. જાન્યુઆરી 2015માં સિડનીના જ મેદાન પર વિરાટે કાયમી કેપ્ટનશિપ સંભાળી હતી. વિરાટની કેપ્ટનશિપ મળી ત્યારે ટીમ ઇન્ડિયા સાતમાં નંબરે હતી અન હવે તે નંબર વન ટીમ છે. વિરાટની સખત મહેનત, દમદાર કેપ્ટનશિપ અને સાથી ક્રિકેટર પર વિશ્વાસના કારણે આ સંભવ બન્યું છે.


કોહલીનો વિરાટ રેકોર્ડ - વિરાટ કોહલી અત્યાર સુધી 46 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. જેમાં 26 વખત ટીમનો વિજય થયો છે. 10 માં પરાજય અને 10 ટેસ્ટ ડ્રો રહી છે. કોહલીની જીતની ટકાવારી 56.52 છે. જે એક ભારતીય રેકોર્ડ છે. જો જીતની વાત કરવામાં આવે તો તે ધોની (27 જીત, 60 મેચ) કરતા ફક્ત એક મેચ પાછળ છે. વિરાટ કોહલી અત્યાર સુધી 216 વન-ડે રમ્યો છે. જેમાં 2013માં પ્રથમ વખત કેપ્ટનશિપ કરી હતી. અત્યાર સુધી 57 મેચમાં ટીમને લીડ કરી છે. જેમાં 42માં જીત મળી છે અને 13માં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે. એક અનિર્ણિત રહી હતી. ટી-20માં 20 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 12માં જીત મળી છે. 7 માં પરાજય અને એક મેચ અનિર્ણિત રહી છે.


બેટ્સમેન વિરાટ - વિરાટ કોહલીએ 77 ટેસ્ટમાં 53.76ની એવરેજથી 6613 રન (25 સદી) બનાવ્યા છે. 216 વન-ડેમાં 59.83ની એવરેજથી 10232 રન છે. જેમાં 38 સદી સામેલ છે. ટી-20 ક્રિકેટમાં 65 મેચમાં 49.25ની એવરેજથી 2167 રન બનાવ્યા છે.


સદીનો નવો બાદશાહ - આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટના નામે 63 સદી છે. સદીના મામલે સચિન તેંડુલકર સિવાય રિકી પોન્ટિંગ (71) જ તેના કરતા આગળ છે. પોતાની બેટિંગના કારણે આધુનિક ક્રિકેટનો ડોન બ્રેડમેન બની ગયેલો કોહલી પોન્ટિંગને આગામી થોડાક મહિનામાં પછાડી નંબર-2 ઉપર પહોંચી જશે. આ પછી સચિનની 100 સદીનો રેકોર્ડ પડકાર રહેશે. હાલ ક્રિકેટમાં સક્રિય ખેલાડીમાં હાશિમ અમલા 54 સદી સાથે વિરાટની પાછળ છે.