

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પછી ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ (India vs Bangladesh)સામે ટી-20 શ્રેણી રમશે. રિપોર્ટ છે કે આ શ્રેણી માટે વિરાટ કોહલી (Virat Kohli)ને આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને રોહિત શર્મા (Rohit Sharma)કૅપ્ટનશિપ કરી શકે છે.


ગત વર્ષે ઑક્ટોબરથી કોહલીએ મોટાભાગની મેચમાં ભાગ લીધો છે અને આ દરમિયાન તે 56માંથી 48 મેચમાં રમ્યો છે. બાંગ્લાદેશ સામે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 24 ઑક્ટોબરે કરવામાં આવશે.


પસંદગી સમિતિના એક નજીકના સૂત્રએ નામ ન જાહેર કરવાની શરતે પીટીઆઈને કહ્યું હતું કે કામના ભારને જોતા સંભાવના છે કે વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. સૂત્રએ કહ્યું હતું કે એ તેના ઉપર નિર્ભર કરશે કે કેપ્ટન કેવું અનુભવી રહ્યો છે. તે પોતાના શરીરને સારી રીતે સમજે છે અને જરુર પડી તો તે પસંદગીકારો પાસે આરામની માંગણી કરી શકે છે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 અને ટેસ્ટ શ્રેણી આગામી મહિને શરુ થશે. બાંગ્લાદેશ ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ માટે આગામી મહિને ભારતનો પ્રવાસ કરશે. ટી-20 શ્રેણી 3 નવેમ્બરથી શરુ થશે. બીજી મેચ 7 નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી ટી-20 મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે. આ પછી પ્રથમ ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી ઇન્દોરમાં અને બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી કોલકાતામાં રમાશે.