ભરતસિંહ વાઢેર, વલસાડ: વાપીના ચલા વિસ્તારમાં જાહેરમાં એક યુવકને બેરહમીપૂર્વક માર મારવામાં આવતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક શખ્સો એક યુવકને જાહેર રસ્તા પર જ લોખંડના પાઇપ વડે માર મારી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વાપી ટાઉન પોલીસે (Vapi town police) પણ આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અંગત અદાવતમાં દમણના ડાભેલ વિસ્તારમાં રહેતા અજય પટેલ પર વાપીના ચલામાં રહેતા પ્રાંજલ સીંગ, ભાનુ સીંગ અને આકાશ સીંગ નામના ત્રણ યુવકોએ અજય પર હુમલો કર્યો હતો. ત્રણેય યુવકના મિત્ર સાથે અજય પટેલની અગાઉ કોઈ બાબતે બબાલ થઇ હોવાથી જૂની અદાવત રાખી આ હુમલો કરાયો હતો. પોલીસે આ વીડિયોના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.