ભરતસિંહ વાઢેર, વાપી : વાપી નજીક આવેલા બલીઠા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે, નજીકમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સદનસીબે આ આગ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.
આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ધુમાડાના ગોટાનું સામ્રાજ્ય છવાયું હતું. આથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાપીના ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે, આગાઉ પણ વાપીના અનેક વિસ્તારોમાં ભંગારના ગોડાઉનમાં આવી રીતે અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. રહેણાંક વિસ્તાર નજીક ગેરકાયદે રીતે ધમધમતા આવા ભંગારનાં ગોડાઉનનો સ્થાનિક લોકો માટે જોખમરૂપ સાબિત થાય છે. આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા આવા ગોડાઉનોના માલિકો વિરૂદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.