ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ (Valsad rainfall) જામ્યો છે. વરસાદની સાથે જિલ્લાનો દરિયો (Valsad sea shore) પણ તોફાની બન્યો હતો. શનિવારે પણ વલસાડના જાણીતા તિથલના (Tithal sea) દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા. દરિયો તોફાની જણાવતા સલામતીના ભાગરૂપે દરિયા કિનારે પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ પમ સામેલ છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ગુજરાતમાં જૂન મહિનો વરસાદ માટે સારો રહ્યો ન હતો. ત્યારે જુલાઇ મહિનો શરૂ થતાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. હવે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસમાં સુરત, નવસારી , વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.