ભરતસિંહ વાઢેર, વલસાડ: મેટ્રો શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. તો ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવાનાં હેતુ સાથે વલસાડની એક પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. આવનાર સમયમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી સિસ્ટમની સાથે આ લાઇફ સેવિંગ વિન્ડો ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ કૃતિને હવે જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા ના ગણિત વિજ્ઞાન મેળામાં પસંદગી પામી હવે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળાની સાથે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની સરકારી પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જીયાન્સ મનીષભાઈ પટેલ નામના એક વિદ્યાર્થીએ અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિને જિલ્લા કક્ષાથી લઈ રાજ્ય અને હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી થઈ છે. ના
વર્તમાન સમયમાં શહેરીકરણ વધી રહ્યું છે. શહેરોમાં અસંખ્ય હાઇરાઇઝ બિલ્ડીંગો પણ બની રહી છે. આ તોતિંગ ઊંચી બિલ્ડીંગોમાં જ્યારે આગની ઘટનાઓ બને છે. ત્યારે બિલ્ડિંગમાં રહેતા અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાય છે. આવી જ દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ચાર વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગની ઘટનામાં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સાથે જ રાજ્ય અને દેશમાં આવી હાઇરાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ પણ જાય છે. ત્યારે ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકે બનાવેલી આ કૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે.
ખેરલાવ પ્રાથમિક શાળા, શિક્ષક, ચેતન પટેલનાં જણાવ્યા પ્રમાણે, 'નજીવા ખર્ચે જ બિલ્ડીંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે. એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે. જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. અને આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે. અને તે નીચેની તરફ ઢળે છે. અને એક સીડીનો આકાર બને છે. આથી બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.'
આ લાઇફ સિસ્ટમને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિને રાજ્યકક્ષાએ પસંદગી પામી હતી. હવે રાજ્યમાંથી પસંદગી પામેલી 60 કૃતિઓમાંથી વલસાડની આ લાઈફ સેવિંગ વિન્ડો કૃતિ રાષ્ટ્રીય લેવલે પસંદગી પામી છે. આથી શાળાના શિક્ષકો અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે. આમ રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓમાં બાળકોની છુપાયેલી પ્રતિભાવો બહાર આવે છે. આટલા મહત્વના વિષયો પર નાના બાળકો અને શિક્ષકોએ રજૂ કરેલી કૃતિઓ અને આઈડિયા અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે છે.