ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા એલસીબી પોલીસે પારડી નજીકથી લાખો રૂપિયાનાં વિદેશી દારૂનો જથ્થો ભરેલા એક ટ્રકને ઝડપી પાડયો છે. પોલીસથી બચવા બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે પ્લાસ્ટિકનાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જોકે વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસે ટ્રકને રોકી અને તપાસ કરતા તેમાંથી રૂપિયા 26.89 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રકના ચાલક ગુરમીતસિંગ બચ્ચન સિંગની ધરપકડ કરી તેને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધો હતો.
દારૂ ભરાવનાર ટ્રક માલિકને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે LCBની ટીમ પારડી નજીક વોચમાં હતી. તે દરમિયાન જ રોડ પરથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકનો પીછો કર્યો હતો. ટ્રકને થોભાવી અને તપાસ કરતાં ટ્રકમાં પ્લાસ્ટિકનો સ્ક્રેપ ભંગાર ભર્યો હોવાનું જોવા મળ્યું હતુ. વધુમાં ટ્રક ચાલકે ટ્રકમાં ભરેલા સામાનની બિલ્ટી અને ઇન્વોઇસ સહિત જરૂરી બિલો પણ બતાવ્યા હતા.
ત્યાર બાદ ચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ટ્રકનાં માલિકનાં કહેવાથી દમણથી ભર્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. દમણથી આ વિદેશી દારૂનો જથ્થો ભરી અને સુરતનાં કડોદર સુધી લઈ જવાનું ટ્રકચાલકને જણાવવામાં આવ્યું હતું. આમ એલસીબી પોલીસે સપાટો બોલાવી અને 26 .89 લાખ રૂપિયા ની કિંમત ના વિદેશી દારૂ અને 15 લાખ રૂપિયાની ટ્રક સહિત અંદાજે 41 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ ઝડપી પાડયો હતો.