ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના રોણવેલ ગામમાં એક ચકચારી ઘટના બની છે. જેમાં એક સનકી પ્રેમીએ તેની પ્રેમિકાની તેના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી છે. પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીનો મૃતદેહ પણ તેના ગામના તળાવમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ રીતે વલસાડ જિલ્લામાં પ્રેમી પંખીડાની પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો હતો. હવે આ મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ એ વાત પર તપાસ કેન્દ્રીત કરી છે કે સાથે જીવવા મરવાનો કૉલ આપનાર યુવકે પ્રેમિકાની હત્યા કરી પોતે પણ શા માટે આપઘાત કરી લીધો?
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના રોણવેલ ગામમાં રહેતા પટેલ પરિવારમાં અત્યારે માતમનો માહોલ છે. પરિવારની વ્હાલસોયી દીકરીની તેના જ પ્રેમીએ હત્યા કરી નાખી છે. પરિવાર પર જાણે દુઃખનો પહાડ જ તૂટી પડ્યો છે. મૃતક પાયલના માતાપિતા અને અન્ય પરિવારજનોના આંસુ સુકાઈ નથી રહ્યા. પોતાની દીકરીને યાદ કરી પરિવારજનો ચોધાર આંસુએ રહ્યા છે.
રાજેશભાઈ પટેલ અને તેમના પત્ની રંજનબેન પટેલની પુત્રી પાયલ પટેલ ધોરણ-12માં નાપાસ થાય બાદ ઘરે જ રહેતી હતી. પાયલ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી હતી. આ દરમિયાન પાયલની મિત્રતા બાજુમાં આવેલા ગામ સરોણના સ્મિત ઉર્ફે ગુડ્ડુ પટેલ નામના એક યુવક સાથે થઈ હતી. બંને વચ્ચે વાતચીત કરતાં કરતાં પ્રેમ પાંગર્યો હતો. પરિવારજનોને પણ આ સંબંધની જાણ હતી. પ્રેમી સ્મિતે પાયલને તેની સાથે લગ્ન કરવાના કોલ પણ આપ્યા હતા.
બનાવના દિવસે પાયલના પરિવારજનો કોઈ પ્રસંગ અર્થે ઘરની બહાર ગયા હતા. પાયલ ઘરે એકલી હતી. આથી પાયલ અને સ્મિત વચ્ચે ફોન પર વાત થઈ હતી. જે બાદમાં પ્રેમી સ્મિત પટેલ પ્રેમિકા પાયલના ગામ રોણવેલ ખાતે આવ્યો હતો. ઘરમાં પાયલ એકલી હોવાથી તે ઘરમાં ગયો હતો, જેની જાણ પાડોશીઓને પણ હતી. આ દરમિયાન પાયલ અને સ્મિત વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થતાં અગમ્ય કારણોસર સ્મિતે પોતાની પ્રેમિકા પાયલની હત્યા કરી નાખી હતી અને ઘરના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો.
પડોશીઓને બનાવની જાણ થતાં જ તેઓએ પાયલના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો ઘરે પહોંચતાં તેમની પુત્રી ઘરના બેડરૂમમાં પલંગ પર નિસ્તેજ હાલતમાં પડી હતી. બાદમાં 108ની ટીમે પાયલને મૃત જાહેર કરી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું કે, મૃતદેહના ગળાના ભાગે ઇજાના નિશાન પણ હતા. આથી પરિવારે સ્મિતે પાયલની ગળેટૂંપો દઈને હત્યા કરી હોવાની આંશકા વ્યક્ત કરી હતી.
બાદમાં પુત્રીની હત્યા કરનાર તેના જ પ્રેમી સ્મિત વિરુદ્ધ પાયલના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આથી પોલીસે આ મામલે ફરાર પ્રેમી સ્મિત પટેલની તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પ્રેમી સ્મિત પટેલના ગામ સરોણના તળાવના કિનારેથી સ્મિતની બાઇક અને જૂતા જૂતા સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. આ સ્મિતના પરિવારજનોમાં પણ દોડધામ મચી ગઇ.
આ બનાવમાં પ્રેમી યુગલના જીવન સફર શરૂ થાય એ પહેલા જ પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો હતો. આ મામલે બંને વચ્ચેના પ્રેમ સંબંધની પરિવારજનોને જાણ હતી. બંને લગ્ન પણ કરવાના હતા તો એવું તો શું થયું કે સ્મિતે પાયલની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધ. આ સવાલોના જવાબ મેળવવા માટે વલસાડ ગ્રામ્ય પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.