ભરતસિંહ વાઢેર, વલસાડ : ગુજરાતમાં ( Gujarat) લઠ્ઠાકાંડના હાહાકાર વચ્ચે વલસાડ જિલ્લામાં ચાલતી એક હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ (Valsad Daru Mehfil) પર વલસાડ (Valsad Police) જિલ્લા પોલીસવડાએ દરોડા (raid on liquor party) પાડ્યા હતા. આ રેડ દરમિયાન એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત 20થી વધુ શરાબીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
અડધી રાત્રે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાએ વલસાડ નજીક આવેલા અતુલની એક સોસાયટીમાં આવેલા ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન 20થી વધુ શોખીનો શરાબ કબાબની મહેફિલ માણતા ઝડપાયા હતા. જોકે ચોકાવનારી વાતે એ છે કે, કાયદાના રક્ષક એવા એક પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પણ આ મહેફિલમાંથી ઝડપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વલસાડ જિલ્લા પોલીસવડાએ સ્થળ પર જ હાજર રહી અને સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ પણ કબજે કરાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, એક તરફ બરવાળામાં લઠ્ઠાકાળને કારણે 39 લોકોના મોત થયા છે. ત્યારે સમગ્ર રાજ્ય અને દેશમાં ગુજરાત પોલીસની છબીને ડાઘ લાગ્યો છે. પોલીસની કામગીરી પર માછલા ધોવાઈ રહ્યા છે. એવા સમયે જ જ્યારે બરવાળામાં લઠ્ઠાકાંડને કારણે સર્જાયેલા મોતના સિલસિલાને કારણે મરશિયા ગવાઈ રહ્યા છે. એવા સમયે જ વલસાડ નજીક આવેલા અતુલમાં આવેલી એક સોસાયટીના મકાનમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલ યોજાઇ હતી.