ભરતસિંહ વાઢેર, વલસાડ: એક જાણીતી કહેવત છે કે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય. સફળતા અને સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. રાજ્યના છેવાડે આવેલા વાપીનાં એક નિવૃત વૃદ્ધે 63 વર્ષની ઉંમરમાં અનોખી સિદ્ધિ મેળવી છે. તેમણે કડકડતી ઠંડીમાં દેશના સૌથી મુશ્કેલ ટ્રેકિંગ માનવામાં આવતા લેહમાં માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં સૌથી ઊંચું અને મુશ્કેલ ટ્રેકિંગ પૂર્ણ કરી નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કાંતિભાઈ પટેલ આ સિદ્ધિ મેળવનાર સૌથી મોટી ઉંમરનાં વ્યક્તિ બન્યા છે. હિન્દૂ શાસ્ત્રમાં અતિ મહત્વની ગણાતી 5 કૈલાશની યાત્રા પણ તેમણે પૂર્ણ કરી પંચ કૈલાશી બની ચૂક્યા છે. જો તમે અમિતાભ બચ્ચનની બોલિવૂડ ફિલ્મ 'ઉંચાઇ' જોઇ હશે તો તેની વાર્તા સાથે આ જીવંત વાતને સરખાવી શકશો.
આવા સંજોગોમાં નદીના પાણી પણ થીજી જાય છે. આવી પરિસ્થિતિમાં જીવને જોખમમાં મૂકીને ટ્રેકિંગ કરવામાં આવે છે. આ વખતે જ્યાંનું તાપમાન માઈનસ 20થી 25 ડિગ્રીથી લઇને માઈનસ 35થી માઇનસ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. ત્યારે કાંતિભાઈએ પણ આ ચાદર ટ્રેકિંગ તેમના અન્ય 15 યુવા ટીમ મેમ્બરો સાથે 63 વર્ષની ઉંમરે પૂર્ણ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વાપીના 63 વર્ષીય કાંતિભાઈ આ ઉમરમાં પણ અતિકઠિન પરિસ્થિતિમાં પણ દેશના સૌથી મુશ્કેલ માનવામાં આવતા ટ્રેકિંગને પૂર્ણ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ અગાઉ પણ અનોખો રેકોર્ડ કર્યો છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાઇકલ ચલાવી ચૂકેલા કાંતિભાઈ તેમની ઉંમરના લોકોને સંદેશો પાઠવે છે કે, જીવનમાં નવું કંઈક કરવાની કોઈ ઉમર હોતી નથી.
આ સાથે સાથે ભારતના અનેક ડુંગરો તેમને સાયકલ પર સર કર્યા છે. સાયકલ ચલાવવાના શોખીન કાંતિભાઈ પટેલ રોજના 30 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવે છે. અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે. સાથે જ ત્રણ વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાસ માન સરોવર મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાઇકલ ચલાવી ચુક્યા છે.
કાંતિભાઈના પત્નીનાં અવસાન બાદ તેમણે બે દીકરાઓની પણ જવાબદારી નિભાવી છે. તેમની એક દીકરી આઈ.ટી. એન્જીનીયર તરીકે બેંગ્લોર અને પુનામાં સફળ જીવન ગાળી રહયા છે, ત્યારે વાપીમાં એકલા જીવન પસાર કરતા કાંતિભાઈ પાસે હવે જરાય સમય નથી. 63 વર્ષિય વૃદ્ધને ટ્રેકિંગનો ભારે શોખ છે. તેઓ સાયકિલિંગમાં પણ અનેક રેકોર્ડ કરી ચૂક્યા છે. તેઓ છેલ્લા 3 વર્ષમાં 55 હજાર કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી ચૂક્યા છે.