ભરતસિંહ વાઢેર, પારડીઃ વલસાડના પારડી ખડકી નજીક નેશનલ હાઇવે પર પોલીસની ઓળખ આપી એક શ્રમજીવી માતા પુત્ર પાસેથી અંદાજે 3 લાખ રૂપિયા ની લૂંટ ચલાવી મોપેડ સવાર 3 શખ્સો ફરાર થઈ ગયા છે. વતનમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે જઈ રહેલો શ્રમજીવી પરિવાર ઘરે પહોંચે એ પહેલાં જ લૂંટનો ભોગ બન્યો છે. બનાવની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસે લૂંટારૂ ટોળકીને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ વલસાડ ના પારડી તાલુકા ના ખડકી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાપીના બલિઠાથી બાઈક પર ડભોઇ જઈ રહેલા માતા-પુત્રને બ્રિજ પાસે બાઇક સવાર 3 શખ્સોએ અટકાવ્યા હતા. જે બાદ તેમને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને લૂંટનો ભોગ બનેલા યુવક પાસે હેલમેટ અને લાયસન્સની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક શખ્સ યુવકના માતા જશીબેન વાડીના હાથમાં રહેલો થેલો ઝૂંટવી લીધો હતો.
જશીબેનના હાથમાંથી જે થેલો લઈ લેવામાં આવ્યો હતો તેમાં રોકડ રૂપિયા 3 લાખ હતા. પોલીસની ખોટી ઓળખ આપનારા શખ્સો લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મહિલાએ જણાવ્યું કે તેઓને લાગ્યું કે તેમનું બાઈક જે શખ્સોએ રોક્યું છે તેઓ પોલીસ છે તો પછી તેમનો સામાન લઈને ભાગી થોડા જવાના છે. પરંતુ આરોપીઓ તેમની પાસેથી રૂપિયા મૂકેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.