ભરત સિંહ વાઢેર, વલસાડ: વલસાડ શહેરમાં ભર બજારમાં નશામાં ધૂત એક કારચાલકે આતંક મચાવ્યો હતો. બેફામ કાર ચલાવી અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ચારથી પાંચ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે લોકોને અને વાહનોને અડફેટે લીધા બાદ પણ પીધડ કાર ચાલકે બજારમાં લોકો સાથે પણ દાદાગીરી કરતા એકઠા થયેલા ટોળાએ દારૂડિયાને બરોબારનો મેથીપાક ચખાડ્યો હતો.
લોકોનાં મારથી બચાવવા દારૂડિયાનાં પત્ની અને પુત્ર પણ વચ્ચે પડ્યા હતા. જોકે તેમ છતાં ટોળાએ દાદાગીરી કરતા દારૂડિયાને માર મારી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ઇજાગ્રસ્તો અને લોકોના મારથી ઈજાગ્રસ્ત થયેલા કારચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ સાંજે વલસાડ શહેરના જાહેર માર્ગ અને બહાર એવા શહીદ ચોક વિસ્તારમાં સમી સાંજે નશામાં ધૂત એક કારચાલકે આતંક મચાવ્યો હતો. નશામાં બેફામ થયેલા આ કાર ચાલકે બેદરકારીભરી રીતે પુરપાટ ઝડપે જાહેર માર્ગ પર કાર દોડાવતા કારની અડફેટે એક રીક્ષા અને મોપેડ સહિત ત્રણથી ચાર નાના મોટા વાહનો આવ્યા હતા. આથી વાહનમાં સવાર પાંચેક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. આથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.