રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાંવિશ્વ આદિવાસી દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુરના બિરસા મુંડા સર્કલ પાસે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ધરમપુર નગરની અંદર રેલીઓ યોજીને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા સમય બાદ તહેવારોમાં છૂટછાટ થતા દરેક તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે.
ધરમપુર તાલુકામાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાજિંત્રો, આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષા સાથે આદિવાસી પરંપરાગત વાદ્યો જેવાકે તુર,માદળ,પેપા, તારપા તથા આદિવાસી ઓના હળ, છટકો, દાંતરડું, સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જનમેદની ઉમટી પડી હતી અને ધામધૂમ પૂર્વક આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી.આજના દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વર્ષ 2007માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. વિશ્વ આદિવાસી દિવસેડીજેના તાલ ઉપર અનેક યુવા વર્ગ ઝૂમતો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ તેમજ વડીલો રેલીમાં જોડાઈને આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી