વલસાડ: વલસાડ જિલ્લા (Valsad district)માં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. અહીં રોનવેલ ગામ (Ronvel village) ખાતે એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણે પણ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. હત્યા અને આત્મહત્યાના બનાવથી પ્રેમ પ્રકરણ (Love story)નો કરુણ અંજામ આવ્યો છે. હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મૃતક યુવક અને યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયા (Social Media) થકી થયાનો કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસ હાલ વધારે તપાસ કરી રહી છે. આ હત્યાકાંડ અને આપઘાતનો બનાવ પ્રેમી યુગલ વચ્ચે સામાન્ય ઝઘડા બાદ બન્યો હતો. જોકે, બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થયો હતો તે જાણી શકાયું નથી.
ઘરમાં ઘૂસીને હત્યા : મળતી માહિતી પ્રમાણે રોનવેલ ગામની પાયલ પટેલ (Payal Patel) નામની યુવતીને નાની સરોણ ગામના સ્મિત પટેલ (Smit Patel) વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત 22મી મેના રોજ પાયલ પોતાના ઘરે એકલી જ હતી ત્યારે પ્રેમી સ્મિત પટેલ તેના ઘરે આવી પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પાયલના માતાપિતા બહારગામ ગયા હતા. આ દરમિયાન સ્મિત અને પાયલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્મિતે આવેશમાં આવીને પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે તપાસ શરૂ કરી : પાયલના માતાપિતા બહાર ગયા હોવાથી તેના કાકા અને કાકી તેના ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાયલને ઘરમાં પલંગમાં મૃત અવસ્થામાં પડેલી જોઈ હતી. જે બાદમાં ગ્રામજનો અને પાયલના માતાપિતાને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શરૂઆતથી જ આ કેસમાં શંકાની સોય પાયલના પ્રેમી સ્મિત તરફ તાંકવામાં આવી હતી.
સ્મિત પટેલનો આપઘાત : પરિવારની શંકાને આઘારે પોલીસે નાની સરોણ ગામ ખાતે રહેતા સ્મિત પટેલના ઘરે તપાસ શરૂ કરી હતી. જોકે, આશ્ચર્યની વચ્ચે સ્મિત મળી આવ્યો ન હતો. આ દરમિયાન તપાસ કરતા સ્મિતનું બાઇક ગામના તળાવ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં પોલીસને સ્મિત પટેલે આપઘાત કર્યો હોવાનું લાગતા તરવૈયાઓની મદદ લઈને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.