ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાનાના (Valsad) ઉમરગામના (Umargam) નારગોલના (Nargol) દરિયા કિનારે દરિયાની (Nargol Coasta) મોટી ભરતી ને કારણે કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં દરિયામાં મોટી ભરતીને (Hightide) કારણે અંદાજે 70 ફૂટ જેટલું ધોવાણ થયું છે. આથી નારગોલના દરિયા કિનારે આવેલા માછીવાડના 200થી વધુ માછીમાર પરિવારોના ઘરો નું અસ્તિત્વ જોખમાયું છે. જોકે, આ મુદ્દે સ્થાનિકોએ તંત્રની અપેક્ષા વગર જાત મહેનત ઝિંદાબાદના નારે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરી છે.
દરિયાઈ ભરતીને કારણે કિનારા વિસ્તારમાં થતું ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક કક્ષાએથી લઇ જિલ્લા અને સરકાર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પ્રોટેક્શન વોલ બનાવવા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી નહીં થતા સ્થાનિક લોકોએ હવે તંત્રની મદદની અપેક્ષા છોડી સ્વયંભૂ શ્રમદાન કરી અને પોતાના આશિયાના બચાવવા માટે પ્રયાસ સરું કર્યો છે.
સ્થાનિક લોકો એ જાતે જ દરિયાકિનારે હંગામી પ્રોટેકશન વોલ બનાવવાનું સરું કર્યું છે. દરિયા કિનારે વસતા 200 જેટલા માછીમાર પરિવારો નાના બાળકોથી લઇ વડીલો તમામ સાથે મળી અને દરિયાકિનારે માટીની કોથળાઓ ભરી અને હંગામી પ્રોટેકશન વોલ બનાવવા માટે શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક અઠવાડિયામાં દરિયામાં આવી રહેલી મોટી ભરતીને કારણે અહી ના દરિયા કિનારે 70 ફૂટ થી વધુ ધોવાણ થયું છે.
ન્યૂઝ 18 ગુજરાતીએ ઉમરગામના નારગોલનાં માછીવાડના દરિયા કિનારે લોકો દ્વારા કરવામાં આવી રહેલા શ્રમદાન અને પોતાના આશિયાના બચાવવા માટે કરવામાં આવી રહેલી મથામણની પરિસ્થિતિ જાણવા દરિયા કિનારાની વિસ્તારની મુલાકાત લીધી હતી, અને અસરગ્રસ્ત પરિવારો સાથે મલી તેમની પીડા અને સમસ્યા જાણવા લોકો અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી હતી.