ભરતસિંહ વાઢેર, વલસાડ: ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર મહારાષ્ટ્રની હદમાં આવેલા તલાસરી (Talasari) નજીક એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતા એક બાઈકને અડફેટે લીધું હતું. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National highway) પર એક ટેમ્પોએ બાઈકને અડફેટે લેતા બાઈક ટેમ્પો નીચે ફસાઈ ગયું હતું. અકસ્માત સર્જ્યા બાદ પણ ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હાઇવે પર દોડાવ્યો હતો. એટલે કે ટેમ્પો નીચે બાઈક ફસાયું હોવા છતાં ટેમ્પો ચાલકે બેદરકારી દાખવીને ટેમ્પોને તલાસરીથી ગુજરાત તરફ પૂર ઝડપે દોડાવ્યો હતો. આ મામલે મહારાષ્ટ્ર પોલીસે ભીલાડ આવીને ટ્રક અને બાઇકનો કબજો મેળવ્યો છે. સદનસિબે આ બનાવમાં બાઇક ચાલકનો બચાવ થયો હતો. બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
15 કિલોમીટર સુધી બાઈક ટેમ્પો નીચે ફસાયેલું રહેવાથી અને જમીન સાથે ઘસાયું હોવાથી તેના ફૂરચે ફૂરચા ઊડી ગયા હતા. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પો નીચે જાણે કે આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો પાછળ આવતા એક વાહનચાલકે પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.