ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના વાપી (Vapi)મા લવ જેહાદ (love jihad)ની બીજી ફરિયાદ નોંધાતા જ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. વાપીના એક વિસ્તારમાં રહેતી પરિણીતા (married woman)ને મૂળ બિહાર (Bihar)ના બકસર જિલ્લાના રહેવાસી જાવેદ અલી હકીમ આલમ નામના એક પરિણીત વિધર્મી યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં આરોપી જાવેદ અલીએ પોતાની સાચી હકીકત છુપાવી અને મહિલાને અંધારામાં રાખી તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યારબાદ પીડિત મહિલાનું બીજી જુલાઈના રોજ તેની ત્રણ વર્ષીય બાળકી સાથે અપહરણ કરી અને વાપીથી ફરાર થઈ ગયો હતો. વિધર્મી યુવક જાવેદ અલી હકીમ આલમ પીડિતાને તેની ત્રણ વર્ષિય બાળકી સાથે પોતાના ગામ બિહારના બકસર જિલ્લાના એક ગામમાં લઈ ગયો હતો, અને ત્યારબાદ ત્યાં લઈ જઈ અને પીડિતાને તેનું બળજબરી પૂર્વક ધર્માંતરણ કરી અને તેની સાથે નિકાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીડીતાએ કોર્ટ મેરેજનો આગ્રહ રાખતાં થોડો સમય પસાર થઈ ગયો.
આ દરમિયાન જ, વાપીમાં પીડિતાના પતિએ આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ વાપી ટાઉન પોલીસ હરકતમાં આવી હતી. અને આરોપીને ઝડપી પાડવા વાપી ટાઉન પોલીસની ટીમ બિહાર ગઈ હતી, અને ત્યાંથી વાપી ટાઉન પોલીસની ટીમે બિહારના બકસર જિલ્લાના છતુંપુર ગામમાંથી વિધર્મી પરિણીત યુવક જાવેદ અલી હકીમ આલમની ધરપકડ કરી હતી, અને આરોપીની ચુંગાલમાંથી પીડિતા અને તેની ત્રણ વર્ષની બાળકીને મુક્ત કરાવી હતી. પોલીસે હાલમાં બાળકી અને પરિણીતાને વાપી લાવી તેમના પરિવારજનોને સોંપી હતી.
મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાના વાપીમાં લવ જેહાદના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે, અને બંને કેસમાં વાપી ટાઉન પોલીસે પીડિતાઓને વિધર્મી આરોપીઓના ચૂંગાલમાંથી છોડાવી અને પરિવારજનોને સોંપી છે. આમ રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ પણ, વલસાડ જિલ્લામાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓને લઈ જિલ્લાના હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. પોતાની સાચી ઓળખ છુપાવી અને હિન્દુ મહિલાઓ અને યુવતિઓ ની પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવી અને નિકાહ કરવાના થઈ રહેલા પ્રયાસના વધી રહેલા કિસ્સા ખતરાની ઘંટી સમાન છે. આથી લવ જેહાદની આવી ફરિયાદોને પોલીસ ગંભીરતાથી લઈ વિધર્મી આરોપીઓ સામે કડક અને દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. જોકે પોલીસે અત્યારે આ આરોપી વિધર્મી યુવક જાવેદ અલી હકીમ આલમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.