ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ એલસીબી પોલીસે (Valsad LCB Police) મોડી રાત્રે સપાટો બોલાવી વલસાડના કાંજણ હરી ગામ (Kanjan Hari village)માં ચાલતી એક શરાબ કબાબની મહેફિલ પર દરોડો (Police raid liquor party) કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 25 લીટરથી વધુ વિદેશી દારૂ અને અનેક મોંઘીદાટ ગાડીઓ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે પોલીસે 41 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહીમાં વલસાડના નનકવાડા ગ્રામ પંચાયત (Nanakvada gram panchayat)ના સરપંચ અને વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ (Vinod Patel) પણ દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે. અડધી રાત્રે પોલીસે બોલાવેલા સપાટાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડના કાંજણ હરી ગામની હદમાં મોડી રાત્રે પોલીસે એક બંગલાની પાછળ ચાલતી શરાબ-કબાબની મહેફિલ પર દરોડો પાડ્યો હતો.
મહેફિલમાં અચાનક જ પોલીસની એન્ટ્રી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે, પૂરી તૈયારી સાથે પહોંચેલી વલસાડ એલસીબીની ટીમે આ કાર્યવાહીમાં પાર્ટી માણતા રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોને વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં સ્થળ પરથી પોલીસને 25 લીટરથી વધુ વિદેશી દારૂનો જથ્થો, પાંચ મોંઘીદાટ કાર, બુલેટ અને બાઇક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની આ કાર્યવાહીમાં વલસાડના નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોની સાથે તેમના સમર્થકો પણ પાર્ટી માણી રહ્યા હતા. પાર્ટીમાં ઝડપાયેલા નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ (Vinod Patel) વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ પણ છે. આમ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની મહેફિલ ઝડપાતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે.