ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad-Mumbai National highway) પર પડેલા ખાડાને કારણે સર્જાયેલા અકસ્માતમાં કરણી સેના (Karni Sena)ના એક હોદેદારનું મોત થતા આજે કરણી સેનાના કાર્યકર્તાઓએ વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર હલ્લાબોલ કર્યો હતો. લોકોએ ટોલનાકાના કર્મચારીઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત કરણી સેનાના કાર્યકરોએ આગામી 10 દિવસમાં હાઇવે પર પડેલા ખાડા (Potholes on road)ઓ પુરવા ટોલનાકાના સત્તાધીશોને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે. સાથે જ આગામી 10 દિવસમાં હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.
બનાવની વિગત મુજબ બે દિવસ અગાઉ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણ કરણી સેના (Daman Karni Sena)ના અધ્યક્ષ અને તેમની સાથે વલસાડ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ આલોકસિંહ તેમના હોસ્પિટલમાં દાખલ એક સ્વજનને મળવા વાપીથી વલસાડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં કાર પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કનકસિંહ જાડેજા (Kanaksinh Jadeja)નું મોત થયું હતું. જ્યારે તેમની સાથે કારમાં સવાર વલસાડ જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ આલોકસિંહ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરણી સેનાના બે બે અધ્યક્ષોને નડેલા અકસ્માતથી રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ આજે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા બગવાડા ટોલનાકા પર હલ્લાબોલ કર્યું હતું.
કરણી સેનાના કાર્યકરોએ થોડા સમય સુધી ટોલનાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવાનો પણ બંધ કરાવ્યો હતો. જોકે, ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી કરણી સેનાના કાર્યકર્તાઓને સમજાવવા પ્રયાસ કર્યા હતા. આથી કાર્યકર્તાઓએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સમક્ષ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની સાથે જિલ્લાના અન્ય મુખ્ય રસ્તાઓનું પણ મોટાપાયે ધોવાણ થયું છે. કરણી સેનાના કાર્યકર્તાઓએ પોતાના હોદેદારનું મોત હાઇવે પર પડેલા ખાડાને કારણે થયું હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ મૃતક કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજા (Kanaksinh Jadeja)ના પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.