ભરતસિંહ વાઢેર (પારડી-વલસાડ) : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં એક તરફી પાગલ પ્રેમીએ પોતાના જ મામાની દિકરીનું અપહરણ કરી ફોઇના પરિવારજનો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પરિયાના માથાભારે સુનિલ પટેલ નામનો આ યુવક તેના જ મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો હતો. અને મામાના ઘરે જઈ મામી અને મામા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને મામાની સગીર દીકરીનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો.
જોકે આરોપી સુનિલ પાસે તિક્ષણ હથિયારો હતા આથી સગીરાનો જીવ જોખમમાં હોવાથી વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતા જાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે આરોપી સગીરાને લઈ અને પરિયા ગામના છેવાડે આવેલા જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. આથી તેને શોધવા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી 150થી વધુ પોલીસ કર્મીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ આ સનકી પ્રેમી તેની મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં હોવાનો બંને પરિવારોને છેલ્લા એક વર્ષથી જાણ હતી. તેમ છતાં ભોગ બનનાર સગીરાના પરિવારજનો આ અંગે સમાજમાં લોકલાજ જવાના ડરે ચૂપ રહ્યા હતા. આથી આ માથાભારે પ્રેમીની હિંમત વધતા એક વર્ષથી પરિવારને અવાર નવાર ધમકીઓ આપતો હતો. તેમ છતાં પણ પરિવારજનો ચૂપ રહેતા હતા. જેનું આજે ગંભીર પરિણામ આવ્યું હતું અને આ સનકી પ્રેમીના આતંકે જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી હતી.