કેતન પટેલ, ભરત પટેલ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર મેઘ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છનાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્ચાં છે. ડાંગમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરીને હાલ વિરામ લીધો છે. જેના કારણે અંબિકા નદી પર આવેલા નાના કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વઘઇમાં 11.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી, સુરત સીટીમાં 40 મિમી નોંધાયો છે. ઉકાઈડેમમાં 279.32 ફુટ ઇનફલો 18649 ક્યુસેક ઓઉટફલો 600 ક્યુસેક પાણી નોંધાયુ છે.
વલસાડ જીલ્લા અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પારડીની કોલક નદી છલોછલ ઉભરાઈને બંને કાઠે વહી હતી. નદીંમાં પાણીનો વધારો થતાં અરનાલા ગામે નદી પર બનાવવામાં આવેલો નીચાણવાળો કોઝવે ગરક થઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેને કારણે વાહન ચાકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોઝવે બંધ થઈ જતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટી ગયો હતો.