વલસાડ: ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon 2022) હવે ઢૂંકડું આવી ગયું છે. હવામાન વિભાગે (Meteorological Department) આજથી ચાર દિવસ સુધી વરસાદની પણ આગાહી કરી છે. જોકે, હાલ પડી રહેલો વરસાદ પ્રી-મોન્સૂન વરસાદ (Pre-Monsoon rain) છે, એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. બીજી તરફ આજે વહેલી સવારે વલસાડ શહેર (Valsad rain)માં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો છે. બીજી તરફ રાજ્યના લોકો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કેરળથી શરૂ થયેલું ચોમાસું (Kerala monsoon) હાલ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગોવા (Goa monsoon) સુધી પહોંચી ગયું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી બહુ ઝડપથી મેઘરાજાની સવારી ગુજરાત આવી પહોંચશે તેવી આશા છે.
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે એકથી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી જશે. રાજ્યમાં ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ ગતિવિધિ જોવા મળશે. અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેના પગલે વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ બફારાથી રાહત અનુભવી છે. બીજી તરફ વરસાદ પડતા કેરીના પાક લેતા ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. (તસવીર: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો.)