ભરતસિંહ વાઢેર, વલસાડ: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક રોલા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ તરફથી સુરત તરફ જઈ રહેલી ઇકો કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી.પરિણામે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી. જેમાં કારચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. ઘટનામાં એક નું મોત નિપજ્યું હતું.જ્યારે આફ્રિકાથી પરત ફરેલા સકીલ મલેકને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી એક આંખ ગુમાવાનો વારો આવ્યો હતો. ઘટનામાં રાજૂભાઈ પરમારને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.