ભરતસિંહ વાઢેર, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હવે પરંપરાગત ખેતી પદ્ધતિને બદલે યુવાનો પણ આધુનિક પદ્ધતિથી ખેતી કરી અને લાખોની કમાણી કરી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારના એક શિક્ષિત બેરોજગાર યુવકે પોતાની જમીનમાં રોકડીયા પાક તરીકે આધુનિક પદ્ધતિથી તરબૂચની ખેતી કરી અને આજે માત્ર ત્રણેક મહિનામાં જ લાખો રૂપિયાની તગડી કમાણી કરી રહ્યા છે.
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં મુખ્યત્વે આદિવાસી વસ્તી છે. જેમનો વ્યવસાય ખેતી છે. જોકે અહીંના પહાડી અને છેવાડાના વિસ્તારમાં રહેતા આદિવાસીઓ પરંપરાગત ખેતી કરતા આવતા હતા. આમ ઓછી જમીન હોવાથી પરંપરાગત ખેતી પદ્ધતિથી પૂરતું ઉત્પાદન મળતું ન હતું. આ નાનકડા પ્રદેશમાં માત્ર વરસાદ આધારીત ડાંગર અને કઠોળની ખેતી થતી હતી. જોકે, હવે ખેડૂતો આધુનિક ખેતી રતરફ વળ્યાં છે અને વર્ષમાં ચોમાસા બાદ પણ શિયાળુ પાક પણ લેતા થયા છે. પરંતુ હવે આ વિસ્તારમાં ખેતીમાં પણ યુવા વર્ગે પોતાનો હાથ અજમાવવાની શરૂઆત કરી છે. દાદરા નગર હવેલીના ખેડૂતો ચોમાસા બાદ હવે શિળાયામાં શાકભાજી, મરચી અને તડબૂચની ખેતી કરતા થયા છે.
દાદરાનગર હવેલીના ખેડૂતો મોટેભાગે ડાંગર, કઠોળ જેવા ચોમાસું આધારીત પાકોની જ ખેતી કરતા હતા, પરંતુ હવે આ વિસ્તારના યુવા વર્ગ પણ ખેતીમાં આગળ આવી રહ્યા છે. દાદરાનગર હવેલીના સિલી વિસ્તારમાં પીટીસી પાસ ઈશ્વરભાઈ રાઉત નામના એક યુવકે નોકરીની રાહ જોવાને બદલે પોતાની વડીલો પારજીત જમીનમાં પરંપરાગત ખેતીને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી અને રોકડીયા પાક તરીકે તરબૂચનું વાવેતર કર્યું હતું. જોકે, ટપક સિંચાઈ અને મલચિંગ પદ્ધતિથી આ યુવકે તડબૂચનું વાવેતર કરતા આ વખતે મબલક ઉત્પાદન થયું છે અને ઓછી જમીનમાં પણ લાખો રૂપિયાની આવક થઈ છે.
આથી આ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પણ આ યુવા ખેડૂત પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સીલીના યુવા ખેડૂત ઈશ્વરભાઈએ પોતાના ખેતરમાં તરબૂચનું વાવેતર કર્યા બાદ તેને બજારમાં આપવાની સાથે પોતે પણ શેહેરી વિસ્તાર નજીક એક તરબૂચનો સ્ટોલ ખોલ્યો છે. જ્યાં તેઓ પોતાની વાડીના તરબૂચને સીધું વેચાણ કરે છે અને ડબલ કમાણી કરી રહ્યા છે. આથી આ શિક્ષિત બેરોજગાર યુવા ખેડૂત પ્રદેશના અન્ય યુવા શિક્ષિત બેરોજગારો માટે ઉત્તમ ઉદાહરણ સાથે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. જ્યાં તડબૂચના હોલસેલ ભાવ 10 રૂપિયા હોય છે. તેવામાં ઈશ્વર રાઉત પોતાના તડબૂચના 15થી 20 રૂપિયાના ભાવ મેળવી રહ્યા છે.
દાદરાનગર હવેલીમાં યુવા ખેડૂતો આધુનિક પદ્ધતિથી ટપક સિંચાઈ અને મલચિંગ જેવી પદ્ધતિથી ખેતીની શરૂઆત કરી છે. પરિણામે ઓછી જમીનમાં પણ મબલક ઉત્પાદન લઈ અને લાખોની આવક રડી રહ્યા છે. આથી પ્રદેશનો ખેતીવાડી વિભાગ પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે છે. મોટેભાગે મલચિંગ પદ્ધતિથી અને ટપક પદ્ધતિથી જે ખેડૂતોએ ખેતી કરી છે તેમને બમણું વળતર મળ્યું છે. મલચિંગ દ્વારા તડબૂચની ખેતી કરવામાં આવે તો આવક બમણી આવે છે.
વર્તમાન સમયમાં પરિવારોમાં વિભાજન થતાં વડીલો પારજીત ખેતીની જમીનમાં ભાગ પડી રહ્યા છે આથી જમીન ઓછી થઈ રહી છે. આથી ઓછી જમીનમાં ખેતી કરી અને પૂરતું વધુ ઉત્પાદન અને વધુ કમાણી મેળવવી મુશ્કેલ હોવાથી હવે જો આ ઓછી જમીનમાં પણ આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ઓછી જમીનમાં પણ લાખોનું વળતર મળી શકે છે. આથી દાદરાનગર હવેલીના સીલીના યુવા ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ ખેતી કરી કરી રહ્યા છે. સરકારી નોકરીની રાહ ન જોતા ઈશ્વર ભાઈએ સ્વનિર્ભર બની તડબૂચની ખેતી કરી આત્મનિર્ભર બન્યા છે.