ભરતસિંહ વાઢેર, વલસાડ : સોનાની દાણચોરી (Gold smuggling) માટે લોકો જાત-જાતના રસ્તા અપનાવતા હોય છે, વાપી રેલ્વે સ્ટેશન (Vapi Railway Station) પર આવી જ એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં ટ્રેન માર્ગે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક યુવક પાસેથી DRIની ટીમે 500 ગ્રામ જેટલું સોનુ પકડી પાડ્યું છે. જોકે યુવકે જે જગ્યાએ સોનું છુપાવ્યું હતું તે જાણીને ખૂદ DRIની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હવાઇ માર્ગે દુબઇથી અમદાવાદ આવેલા યુવકે 500 ગ્રામ સોનુ બીજે ક્યાંય નહીં પરંતુ પોતાના ગુદા માર્ગમાં જ છુપાવ્યું હતું. જેની બાતમી DRIને મળી હતી. આથી સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકને શંકાના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ અને શારીરિક તપાસ કરતાં તેના ગુદા માર્ગમાંથી 500 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું.