વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રના બોરડી પંથકમાં મોટાપાયે ચીકુની વાડીઓ આવેલી છે, જેવી રીતે વલસાડ જિલ્લો હાપૂસ કેરી માટે જગવિખ્યાત છે એ જ રીતે મહારાષ્ટ્રના પાલઘર અને બોરડી વિસ્તારમાં 4500 હેક્ટર ચીકુનું વાવેતર કરવામાં આવે છે. હાલ આ વિસ્તારમાં રોજના 300 ટન ચીકુનું ઉત્પાદન થાય છે. બોરડી વિસ્તાર તેના ચીકુ માટે જાણીતો છે, અહીંના ચીકુને GI ટેગ પણ મળેલો છે.
આથી બોરડીના ચીકુ બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં જાણીતા છે. ત્યારે છેલ્લા એક દશકથી આ વિસ્તારમાં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લે છે. જેમાં ચીકુની વિવિધ જાત, જ્યુસ, ચીકુ ચોકલેટ અને ચીકુ અથાણા સહિત 40થી વધુ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે.
ચીકુની અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે માત્ર ગુજરાત જ નહી પરંતુ મહારાષ્ટ્રથી પણ લોકો આ ચીકુમેળામાં ઉમટી પડે છે, આ વર્ષે પણ બે દિવસીય ચીકુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. દરવર્ષે અહીં અનોખા ચીકુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ આયોજિત ચીકુ મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ચીકુની વાનગીઓનો સ્વાદ માણ્યોછે.
ચીકુ મેળો આ વિસ્તારના ચીકુની ખેતી કરતા ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ ચીકુ ફેસ્ટિવલને કારણે ચીકુની વિવિધ વાનગીઓનું વેચાણ વધી રહ્યું છે, સાથે જ ચીકુના બ્રાન્ડિંગ અને ચીકુના ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આથી આ ચીકુ ફેસ્ટિવલને કારણે અહીંના ખેડૂતો માટે આ ચીકુ ફેસ્ટિવલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે.