કેતન પટેલ, બારડોલી: મહારાષ્ટ્રનાં નદુરબાર જિલ્લાના નવાપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વના અમૃત મહોત્સવ દિન નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ વહીવટી તંત્ર, દૈનિક પત્રકાર સંગઠન દ્વારા 12 ઓગસ્ટના રોજ ભવ્ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદુરબાર એસ પી. પી આર પાટીલને લિલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. આ સમયે ધારાસભ્ય શિરીષકુમાર નાઈક, ડેપ્ટી કલેક્ટર મિનલ કરનવાલ, નગર પ્રમુખ હેમલતા પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા. તિરંગા શોભાયાત્રા શહેરની સિનિયર કોલેજથી શરૂ થઈ હતી. જ્યારે શહેરના વિવિધ ચોકમાં રેલી કાઢીને તિરંગા યાત્રાનું શ્રી શિવાજી હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું. તિરંગા યાત્રામા 20 સ્કૂલ કોલેજના ત્રણ હજાર શિક્ષક, વિદ્યાર્થીઓએ અને નાગરિક ઉપસ્થિતિ રહ્યા હતા.
તિરંગા ધ્વજ 1107 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો હતો. 150 કિલો વજન ધરાવતો ભવ્ય તિરંગો ધ્વજ ગુજરાત રાજ્યની સોનગઢ યુનિક વિદ્યા ભવન સ્કૂલનો છે. અને તેઓએ 2017માં તિરંગો બનાવ્યો હતો. અને દર વર્ષે તેની લંબાઈમાં 100, 150, 200 મીટરનો વધારો કર્યો હતો. હાલમાં તેની લંબાઈ 1 હજાર 107 વધી ગઈ છે. સોનગઢમાં 2017 માં સૌપ્રથમ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજાની યાત્રા સોનગઢ, ગાંધીનગર, મૈસાણા, સિદ્ધપુર, બારડોલી અને ત્યારબાદ નવાપુરથી કાઢવામાં આવી છે.
ધ્વજનું વજન નિયંત્રણમાં રાખવા અને રંગને સાચવવા માટે સિન્થેટિક સિલ્ક ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધ્વજનું કાપડ સુરતથી લાવીને સોનગઢ ખાતે સિલાઇ કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં 1200 જેટલા વિદ્યાર્થીઓએ ધ્વજ લહેરાવવો પડે છે. ધ્વજનો ફોલ્ડ કરવામાં ત્રણથી ચાર કલાક લાગે છે. ખોલતી વખતે ધ્વજનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ધ્વજનું વજન લગભગ 150 કિલો છે. ધ્વજ મેળવવા માટે આયોજકોને બુકીંગ કરવા પડે છે. નવાપુર તિરંગા યાત્રા બાદ ગુજરાત રાજ્યના વ્યારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
તિરંગા યાત્રાની તૈયારીઓ બે મહિનાથી ચાલી રહી હતી. આયોજકોએ નવાપુર તાલુકા વહીવટીતંત્ર, પોલીસ વહીવટીતંત્ર, દૈનિક પત્રકાર સંગઠન, શૈક્ષણિક સંસ્થાની સંયુકત હાજરીમાં 12 શાળા-કોલેજોને તૈયારી માટે પત્રો આપ્યા હતા. તિરંગા યાત્રામાં તેનાથી વધુ સંખ્યામાં શાળા-કોલેજોએ ભાગ લીધો હતો. 20 શાળાઓમાં અંદાજે અઢીથી ત્રણ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમાં મરાઠી, ગુજરાતી ઉર્દૂ અંગ્રેજી માધ્યમની શાળાનો સમાવેશ થતો હતો.