ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં બુટલેગરો (Valsad Bootleggers) જાણે બેફામ બની રહ્યા છે. મોડી રાત્રે વલસાડ નજીક કોસ્ટલ હાઈવે પર દારૂ ભરેલી બુટલેગરની એક કારે 19 ગૌવંશને અડફેટે (Car crashed 11 cattle) લીધા હતા. જેમાંથી 11 ગૌવંશ ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં અન્ય 8 ગૌવંશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગૌવંશને અડફેટે લેનાર બુટલેગરની ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો મળતા જ લોકો રોષે ભરાયા હતા. જોકે, ગૌવંશને અડફેટે લઈ મોત નિપજાવનાર કાર ચાલક બુટલેગરો અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની નજીકમાં છૂપાઈ ગયેલા ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બુટલેગરો દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા ત્રણ આરોપી બુટલેગરો અને દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ ઘટનામાં મોતને ભેટેલા 11 ગૌવંશના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જોકે, અકસ્માત સર્જનારી બુટલેગરની કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બુટલેગરોની ધરપકડ કરી કાર અને વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.