

વિવેક તિવારી હત્યાકાંડ અંગે લખનઉના જિલ્લાધિકારીએ કહ્યું કે પરિવારની બધી માંગો માની લેવામાં આવી છે. સરકારે વિવેક તિવારીના પરિવારને વળતર તરીકે 25 લાખ રૂપિયા આપ્યાં છે. આ ઉપરાંત તેમની પત્નીને સરકારી નોકરી મળી છે. આવતા ત્રીસ દિવસમાં આ મામલામાં તપાસ કરવામાં આવશે. પરિવાર જો એવું ઇચ્છે છે કે આ મામલો સીબીઆઈ તપાસ થાય તો એવું કરવા માટે પણ અમે તૈયાર છીએ.


લખનઉમાં એપલ કંપનીમાં કામ કરતા વિવેક તિવારીને જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલે ગોળી મારી હતી. જેને કારણે વિવેકનું મોત નિપજ્યું હતું. આ વાતમાં એન્કાઉન્ટર અંગે યોગી આદિત્યનાથની સરકાર સમક્ષ પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ભીસમાં આવેલી સરકારે હાલ બે કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 'આ એન્કાઉન્ટર નથી, જે પણ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો સીબીઆઇને પણ તપાસ સોંપવાની ભલામણ કરવામાં આવશે.'


નોંધનીય છે કે આ ઘટના લખનઉના પોશ વિસ્તારમાં મોડી રાત્રે દોઢ વાગે બની હતી. વિવેક તિવારી પોતાની સહકર્મીને તેના ઘરે મુકવા જઇ રહ્યાં હતાં. જે દરમિયાન કોન્સ્ટેબલે કાર રોકવા કહ્યું, જોકે વિવેકે કાર રોકવાની ના પાડી દીધી હતી અને જવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલે વિવેકની કાર પર ગોળી ચલાવી દીધી હતી પરંતુ તે ગોળી વિવેકના માથા પર લાગી હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.


આ ઘટનાના થોડા સમય બાદ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે આ એક ગુનાહીત ઘટના છે અને જવાબદાર કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તેમની વિરુદ્ધ હત્યાના ગુનાની કલમ 302 લગાવવામાં આવી છે.


આ મામલામાં બીજી તરફ ગોળી ચલાવનારા કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ દાવો કર્યો હતો કે કાર ચલાવનારા વિવેક તીવારીએ મારી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. મે માત્ર સ્વબચાવમાં જ ગોળી ચલાવી હતી જે તેને લાગી જવાથી મોત નિપજ્યું હતું.


આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે જ્યારે ન્યાયીક તપાસ પણ કરવામાં આવી રહી છે.


પ્રાથમીક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગોળી વાગવાને કારણે વિવેક તીવારી ઘવાયા હતા, જેને પગલે તેનું મોત નિપજ્યું હતું. વિવેકની સાથે કારમાં તેમના સાથી કર્મચારી સના ખાન પણ હતા, સના ખાને આ સમગ્ર મામલે પોલીસ સમક્ષ એફઆઇઆર દાખલ કરાવી છે. બીજી તરફ પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સના ખાનને હાલ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. મૃતક વિવેક તિવારીને પત્નિ અને બે બાળકો છે.