

સંજય ટાંક, અમદાવાદ: એક તરફ ટ્રાફિકના નિયમોને નેવે મુકી નાની વયે વાહન હંકારતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને દંડવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે તો બીજીતરફ ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છતા અમદાવાદીઓ પોતાની આદતથી મજબૂર છે. રોંગ સાઈડ વાહન હંકારવા બદલ આકરા દંડની જોગવાઈ છતાં બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ નીચે લોકો બે રોકટોક વાહન હંકારી રહ્યાં છે અને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યાં છે. જે બદલ લોકો રોડની ડિઝાઈનનો વાંક કાઢી રહ્યાં છે.


હેલમેટ વગર વાહન ચલાવ્યું તો થશે દંડ. રોંગ સાઈડમાં વાહન હંકાર્યું તો થશે દંડ. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાયા તો થશે દંડ અને ત્રણ સવારી વાહન હંકાર્યું તો શે દંડ આવા અનેક નિયમો ટ્રાફિક વિભાગ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટનો અમલ કરી દેવાયો છે. તેમ છતાં શહેરમાં વાહનચાલકો બેફામ રીતે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. શહેરનો નહેરુનગર વિસ્તાર હોય, શિવરંજની, સેટેલાઈટ વિસ્તાર કે પછી બોપલ વિસ્તાર હોય બેરોકટોક વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.


બોપલ બ્રિજ નીચે તો વાહનચાલકો કોઈ પણ પ્રકારના ડર વગર રોંગસાઈડમાં વાહન હંકારી રહ્યાં છે. અને રોંગસાઈડમાં વાહન હંકારવાના એક સાથે અનેક બહાના બતાવી રહ્યાં છે. વાહનચાલકોનું કહેવું છે કે બોપલમાં ટ્રાફિકની સમસ્યા જટીલ છે. અહીં વકીલ બ્રીજનો છેડો પૂર્ણ થાય ત્યારે 1 કિલોમીટર દૂર રોડનો કટ છે. જેથી નજીકના અંતરે જવું હોય તો પણ વાહન એક કિલોમીટર દૂર વળાવવા જવું પડે છે. જેથી વાહનચાલકો દૂર સુધી વાહન વળાવવા નહી જતા ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તમામ વાહનચાલકો રોંગ સાઈડમાં જ વાહન હંકારે છે. એટલુ જ નહિ ડમ્ફર અને ટ્રક જેવા ભારે વાહનો પણ અહીં રોંગ સાઈડમાંથી જ અવરજવર કરે છે.


બીજીતરફ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતો અટકાવવા નાની વયે વાહન હંકારતા બાળકો સામે ડ્રાઈવ શરુ કરી છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં યોજાયેલી એક ડ્રાઈવમાં એક સ્કૂલના 3 વિદ્યાર્થીઓ હેલમેટ વગર અને લાયસન્સ વગર બુલેટ અને પલ્સર જેવા વાહન ચલાવતા પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે આ બાળકોના વાલીને જાણ કરી તેના વાલી વિરુદ્ધ ટ્રાફિકની 5-180ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો હેલ્મેટ નહિ પહેરનારા વાહનચાલકો પાસેથી પણ દંડ વસુલવામાં આવ્યો હતો.


મહત્વનું છે કે ટ્રાફિકના નિયમોને નેવે મુકીને વાહનચાલકો વાહનો હંકારી રહ્યાં છે ત્યારે જાણી જોઈને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયાને બે મહિના થયા છે ત્યાં કરોડો રુપિયાનો ટ્રાફિક વિભાગે દંડ તો ઉઘરાવી લીધો છે પણ છતાં નિયમોનું પાલન વાહનચલાકો ક્યારે કરશે તે એક મોટો સવાલ છે.