

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે 5 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. ભાજપે વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોર મેદાને ઉતાર્યા છે. ગુજરાતનું ગૌરવ છે કે દેશના પૂર્વ રાષ્ટ્રપતિથી લઈ, પૂર્વ નાણા મંત્રી, પૂર્વ નાયબ વડાપ્રધાન પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિશેષમાં ગુજરાતના 6 મુખ્યમંત્રીઓ પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.


ઘનશ્યામ ઓઝા : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘનશ્યામ ઓઝા 1978થી 1984 સુધી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ પ્રખર ગાંધીવાદી હતા અને ગરીબોના ઉત્થાન માટે હંમેશા કાર્યરત રહ્યા.


માધવસિંહ સોલંકી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ બે ટર્મ માટે રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેઓ 1988થી 2000 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. સોલંકી રાજકારણમાં KHAP થિયરી માટે ખૂબ જાણીતા છે.


કેશુભાઈ પટેલ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પટેલે 2002ની વિધાનસભા ચૂંટણી નહોતી લડી. 2002માં જ આયોજિત રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા.


શંકરસિંહ વાઘેલા : ગુજરાતના રાજકારણના દિગ્ગજ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1984થી 1989 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.


આનંદીબેન પટેલ : ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ ધરાવનારા આનંદીબેન પટેલ પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન 1994થી 1998 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. રાજ્યસભા સાંસદ તરીકે તેઓએ બેઇજિંગ ખાતે આયોજિત ચોથી વિશ્વ મહિલા કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


વિજય રૂપાણી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી તેઓએ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આનંદીબેને રાજીનામું આપતાં ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું હતું. (ગુજરાતના 6 મુખ્યમંત્રીઓ ઉપરાંત કયા દિગ્ગજ નેતાઓએ રાજ્યસભામાં કર્યું છે પ્રતિનિધિત્વ..જાણવા આગળની સ્લાઇડ્સ જુઓ)


પ્રણવ મુખર્જી : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. પ્રણવ દા 1981થી 1987 દરમિયાન ગુજરાત તરફથી રાજ્યસભા સાંસદ રહ્યા. ગુજરાત તરફથી રાજ્યસભામાં પ્રતિનિધિ કરી ચૂકેલા પૈકી પ્રણવ દા એવી વ્યક્તિ હતા જેમણે રાષ્ટ્રપતિ સુધીના પહોંચ્યા હતા.


લાલકૃષ્ણ અડવાણી : દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જનસંઘ તરફથી 1976માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદથી તેમને ગુજરાત તેમને ખૂબ જ પસંદ પડ્યું હતું કે 2014ની લોકસભા ચૂંટણી સુધી તેઓ ગાંધીનગર બેઠક પરથી જ ચૂંટણી લડીને જીતતા આવ્યા હતા.


અમિત શાહ : કેન્દ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવવા ભાજપના સીનિયર નેતા અમિત શાહે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનવાનું નક્કી કર્યુ હતું. 2017ની રસપ્રદ રાજ્યસભા ચૂંટણી જીતીને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તાજેતરની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી જીત મળ્યા બાદ શાહે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.


અહેમદ પટેલ : કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલ 1993થી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યા છે. યુપીએ સરકારના બે ટર્મમાં પટેલે સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની ભૂમિકા નિભાવી હતી. 2017ની રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલને ફરી સાંસદ બનવામાં ઘણા આકરા ચઢાણ ચડવા પડ્યા હતા.


અરુણ જેટલી : પૂર્વ નાણા મંત્રી અને ભાજપના સીનિયર નેતા અરુણ જેટલી ત્રણ ટર્મ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ 2000થી લઈને 2018 સુધી ગુજરાત તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા.


સ્મૃતિ ઈરાની : મોદી સરકાર 2.0માં મહિલા અને બાળ વિકાસના મંત્રી સ્મૃતિ ઈરાની બે ટર્મ સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2019માં અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું.


ડો. વાય કે અલઘ : અર્થશાસ્ત્રી ડો. વાય કે અલઘ પણ 1996થી 2000 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.


દિનેશ ત્રિવેદી : તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી પણ ગુજરાતથી રાજ્યસભા ગૃહમાં પહોંચ્યા હતા. તેઓ 1990થી 1996 દરમિયાન ગુજરાત તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા. તેમને જનતા દળ તરફથી રાજ્યસભા સાંસદ બન્યા હતા.