

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મોરડુંગરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર આત્યંતિક કલ્યાણનું આધ્યાત્મિક કેન્દ્ર છે. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના આશ્રયથી અનેક મુમુક્ષુઓ અધ્યાત્મના માર્ગે રંગાયા છે.


શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં પવિત્ર ચાતુર્માસ અને એમાંય વળી પાવન શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની કથાનું પંચદિનાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ, દાહોદ જિલ્લાના મહંત સંત શિરોમણી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણી ધર્મભૂષણદાસજી સ્વામી વગેરે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં થયેલા આયોજનમાં કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી કરાવી રહ્યા હતા.


પંચ દિનાત્મક કથા ગુરૂદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત સંસ્કૃત ગ્રંથ "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર" શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી આ કથામૃતનું રસપાન કરવા અનેક ગામડાઓમાંથી હરિભક્તો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.


આ પાવન અવસરે પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ, ભાજપ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું પણ સંસ્થાન વતી શાલ, પુષ્પ માળા, પ્રસાદ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રસંગોચિત તેઓએ પણ ઉદબોધન કર્યું હતું. હિંડોળા ઉત્સવ પર્વે હિંડોળામાં ઝૂલતા શ્રી ઘનશ્યામ મહાપ્રભુને ઝુલાવીને ઝુલાવવાનો અણમોલો લ્હાવો પણ માણ્યો હતો.