

વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા દ્વારા ખરોડ ગામે સમૂહ લગ્નોત્સવનું આવ્યું, જેમાં 64 નવદંપત્તિઓએ પ્રભૂતામાં પગ માંડ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી નવદંપતિઓને શુભકામના પાઠવી હતી.


વિજાપુર તાલુકાના ખરોડ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા દ્વારા આયોજીત ત્રીજા સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રભુતા પગલા માંડનારા ૬૪ નવદંપતિઓને આર્શીવાદ આપતાં જણાવ્યું હતું કે, દરેક પરીવારની ઇચ્છા હોય છે કે પોતાની દિકરીના લગ્ન ધામધુમથી થાય તેવા મા-બાપની આ ચિંતા સમૂહ લગ્નોત્સવથી દૂર થાય છે. સમૂહ લગ્નોત્સવ થકી આયોજકો દીકરીના મા-બાપ બને છે.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ મહેનતું સમાજ છે. આ સમાજે ત્રીજા સમૂહ લગ્નોત્સવ કરી અન્ય સમાજને પ્રેરણા પુરી પાડી છે. તેમણે ઉમેર્યું હતું કે, લગ્ન એ સંસ્કાર છે જેમાં બે વ્યકિતઓનું મિલન છે. આપણા સમાજમાં લગ્ન જીવનને પવિત્ર બંધન માનવવામાં આવે છે. આ સંબધથી સામાજિક એકતા ઉભી થાય છે.


મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ પરીવર્તન કરી રહ્યો છે. સમાજની પ્રગતિ શિક્ષણ અને આરોગ્ય થકી છે. વ્યસન મુક્તિના અડગ નિર્ણય સાથે સમાજના યુવાનો આગળ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સરકાર સામાજિક સમરસતાનું વાતાવરણ ઉભું કરીને સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર ચાલી રહી છે.