સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર અવારનવાર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા મેસેજ વાયરલ કરવામાં આવે છે. આ મેસેજ એ રીતે તૈયાર કરવામાં આવે કે પહેલી વખત વાંચતા કોઇ પણ તેને સત્ય માની બેસે છે. આવા અનેક ફેક કોન્ટેન્ટના કારણે ઘણી વખત લોકો મુશ્કેલીમાં મુકાય છે. એક તરફ હાલ દેશમાં સોશ્યલ મીડિયા કંપની વોટ્સએપ અને સરકાર વચ્ચે રકઝક ચાલી રહી છે. આ દરમિયાન વોટ્સએપ પર એક મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોના ચેટ સરકાર વાંચી રહી હોવાનો અને રેડ ટીક થતા હોવાનો દાવો કરાયો છે.
આ મેસેજ એવા સમયે વાયરલ થયો છે જ્યારે વોટ્સએપે હાલમાં જ બદલાવેલી પોલીસીને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. મહત્વનું છે વોટ્સએપમાં ચેટ અને ડેટા સુરક્ષિત ન હોવાનું અનેક વખત કહેવાયું છે. પરંતુ કંપની હંમેશા આ વાતને અવગણી ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટ હોવાની વાતને વળગી છે. તેવામાં આ વાયરલ મેસેજે સળગતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જેથી લોકો તેને સાચો માની બેઠા છે.
શું છે આ વાયરલ મેસેજમાં?- વોટ્સએપ પર વાયરલ થયેલા આ મેસેજમાં દાવો કરાયો છે કે, વોટ્સએપમાં એક ત્રીજું ટીક ઉમેરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, જો સરકાર તમારો મેસેજ વાંચે છે તો તમને ત્રીજું ટીક દેખાશે. જો સરકાર કાર્યવાહી કરવા માંગે છે તો એક બ્લૂ ટીક અને બે રેડ ટીક દેખાશે અને ત્રીજા રેડ ટીકનો અર્થ છે કે યૂઝરને કોર્ટમાંથી સમન્સ મોકલવામાં આવી રહ્યું છે.
સરકાર અને વોટ્સએપ વચ્ચે વિવાદ- વોટ્સએપ દ્વારા હાલમાં જ તેની નવી પોલીસી શેર કરવામાં આવી છે. જેને લઇને દેશમાં લોકોમાં ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં વોટ્સએપ અને સરકાર વચ્ચે હાલ કાનૂની વિવાદ ચાલુ છે. વોટ્સએપે કેન્દ્ર સરકારના નવા આઇટી રૂલ્સની સામે કેસ દાખલ કર્યો છે. જે બાદ જ ફેક મેસેજ દ્વારા લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જોકે વોટસ્એપ યુઝર્સને આવા કોઇ પણ મેસેજ પર વિશ્વાસ ન કરવો જોઇએ. કારણ કે કંપનીએ તેને ખોટો ગણાવ્યો છે અને લોકોને આવા મેસેજથી દૂર રહેવા સલાહ આપી છે.
સંપૂર્ણ સુરક્ષિત છે વોટ્સએપ ચેટ- જેમ કે કંપની હંમેશા દાવો કરતી આવી છે કે વોટ્સએપ પરનો યૂઝર્સનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત છે. યૂઝર્સ વચ્ચે થતી તમામ ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તેનો અર્થ એવો છે કે તમારા ચેટ કોઇ ત્રીજું વ્યક્તિ વાંચી શકે નહીં. તેના સુધી કોઇ સરકાર કે થર્ડ પાર્ટી પહોંચી શકે નહીં. વોટ્સએપે લોકોને આવા કોઇ પણ પ્રકારના મેસેજ ફોરવર્ડ ન કરવાની અને રિપોર્ટ કરવાની સલાહ આપી છે.