

તાજેતરમાં વોટ્સએપે (WhatsApp) ફેસબૂક (Facebook) સાથે ડેટા શેર કરવાનાની ગોપનીયતા નીતિને અપડેટ કરી. જેનાથી યૂઝર્સ નાખુશ જોવા મળ્યા. ત્યારે હવે બીજી વાત સામે આવી છે કે, વ્હોટ્સએપે ગુગલ સર્ચ પર ઈન્ડેક્સિંગ દ્વારા યુઝર્સના ફોન નંબરને એક્સપોઝ કર્યા છે. થોડા દિવસો પહેલા, એવી માહિતી મળી હતી કે ગૂગલ સર્ચમાં WhatsApp ગ્રુપ્સ દેખાઈ રહ્યા છે. આનો સીધો અર્થ એ હતો કે વપરાશકર્તાઓ ગૂગલ પર કોઈપણ ગ્રુપને શોધી શકે છે.


Gadgets Nowના સાયબર સિક્યુરિટી રિસર્ચરના જણાવ્યા અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ સર્ચમાં વોટ્સએપ વેબ યુઝર્સના ફોન નંબર આવ્યા છે. વોટ્સએપ એ એક મોબાઈલ એપ્લિકેશન છે પરંતુ તેનો ઉપયોગ લેપટોપ અને પીસીમાં પણ થાય છે. આ રિસર્ચરે જણાવ્યું હતું કે, યુઝર્સના મોબાઈલ નંબર WhatsApp વેબ દ્વારા લીક થયા છે. એનો અર્થ એમ થાય છે કે, જો તમને ખબર હોય કે કઇ રીતે ગૂગલ સર્ચમાંથી ફોન નંબર શોધી શકાય છે તો તમે કોઇના પણ નંબર શોધી શકો છો.


તેણે એ પણ કહ્યુ કે, જો કોઈ લેપટોપ અથવા ઓફિસ પીસી પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યું છે, તો મોબાઈલ નંબર ઇન્ડેક્સ કરવામાં આવી રહ્યું છે. આ બધા નંબર વ્યક્તિગત છે નહીં કે બિઝનેસ નંબર. તેણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. તેને ખતરનાક કહી શકાય કારણ કે, ઘણા વ્યાવસાયિકો તેમના લેપટોપ અને પીસી દ્વારા WhatsAppનો ઉપયોગ કરે છે.


વોટ્સએપે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, માર્ચ 2020થી વોટ્સએપે તમામ ડીપ લિંક પેઝને નો ઈન્ડેક્સ ટેગ લગાવી દિધા હતા. જેના કારણે ગૂગલ તેમને ઈન્ડેક્સ નથી કરી શકતા. કંપનીએ ગૂગલને પ્રતિક્રિયા આપી હતી તેઓ આ ચેટ્સને ઇન્ડેક્સ ન કરે.


આ પરિસ્થિતિમાં આ વાત સાચી છે કે અફવા એ અમે કહી નથી શકતા. ત્યારે તમને સાવચેત રહેવાની જ સલાહ આપી શકીએ છીએ. આ ચાલતા વિવાદો વચ્ચે હાલ વોટ્સએપથી લોકોનો વિશ્વાસ ઓછો થતો જોવા મળી રહ્યો છે. લોકો વોટ્સએપની સેવા અને પ્રાઈવસી પોલિસીમાં આવેલા પરિવર્તન અંગે નાખુશ છે. વોટ્સએપે યુઝર્સને નોટિફિકેશન મોકલ્યું હતું કે, હવે યુઝર્સનો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે. આ સૂચનામાં વપરાશકર્તાઓને સંમત અને નકારવાનો વિકલ્પ પણ મોકલવામાં આવ્યો હતો. જો વપરાશકર્તાઓ તેના પર સંમત ન થાય, તો તેમનું એકાઉન્ટ 8 ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે. જે બાદ ઘણા વપરાશકર્તાઓ આ બાબતે સહમત ન હતા, તેથી લોકોએ વોટ્સએપ છોડી દીધું અને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશનો વાપરતા થઇ ગયા હતા. આકરી ટીકા બાદ વોટ્સએપે હાલમાં પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. કંપનીએ કહ્યું છે કે જો કોઈ યુઝર નવી ગોપનીયતા નીતિ માટે સહમત ન થાય તો 8 ફેબ્રુઆરીએ તેમનું ખાતું સસ્પેન્ડ કરવામાં આવશે નહીં. કંપનીએ એમ પણ કહ્યું છે કે હવે નવી પોલિસી ફેબ્રુઆરીને બદલે મે મહિનાથી લાગુ કરવામાં આવશે.