નવી દિલ્હી : ગુગલ ફોટો એપ પર જે યૂઝર્સ ફોટો અને વીડિયો સેવ કરે છે તેમના માટે આવનાર દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. અત્યાર સુધી ગુગલ ફોટો એપ પર ફોટો અને વીડિયો સેવ કરવા માટે કોઈ ચાર્જ થતો ન હતો. જોકે ગુગલની નવી પોલિસી પ્રમાણે હવે યુઝર્સે ફોટો એપ પર 15 જીબીથી વધારે ડેટા અપલોડ કરવા પર ચાર્જ આપવો પડશે. તમને જણાવી દઈએ કે આ પ્રકારની પોલિસી ગુગલની બીજી સર્વિસ જેવી GMail અને ગુગલ ડ્રાઇવ પર પહેલા જ લાગુ છે.
ગુગલના મતે ફોટો એપ પર 15 જીબીથી વધારે ડેટા અપલોડ કરવા માટે 1 જૂન 2021થી યૂઝર્સ પાસેથી ચાર્જ લેવામાં આવશે. આ સાથે ગુગલે સ્પષ્ટ કર્યું છે કે જે યૂઝર્સ 1 જૂન 2021 પહેલા જેટલો પણ ડેટા અપલોડ કરશે તેમની પાસે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ગુગલે કહ્યું કે યૂઝર્સ એ વાતનો ખ્યાલ રાખે કે આવનાર દિવસોમાં જરૂરી ફોટો જ સેવ કરે.
ગુગલના મતે ગુગલ ફોટો પર દર સપ્તાહે લગભગ 28 અબજ નવા ફોટો અપલોડ કરવામાં આવે છે. ગુગલનું એ પણ માનવું છે કે આ નવી પોલિસી લાગુ થયાના 3 વર્ષની અંદર તેના લગભગ 80 ટકા યૂઝર 15 GBની નિર્ધારિત સીમાને પાર કરશે નહીં. આવામાં ઘણા ઓછા યુઝર્સને ગુગલ ફોટોની નવી પોલીસનું સબ્સક્રિપ્શન લેવું પડશે. ગુગલે એ પણ કહ્યું કે કોઈ સબ્સક્રાઇબરની સ્ટોરેજ 15 GBની નજીક પહોંચશે તો ઇ-મેલ કે એપ દ્વારા નોટિફિકેશનથી સુચિત કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
જો યૂઝર્સ 15 GB ડેટાની સીમા પાર કરશે તો તેણે ઓછામાં ઓછી 100 GB સ્ટોરેજની સુવિધા લેવી પડશે. જેનો ચાર્જ પ્રતિ મહિના 130 રૂપિયા અને 1300 રૂપિયા વાર્ષિક ચુકવવો પડશે. જો યૂઝર્સ 200 GB સ્ટોરેજનો પ્લાન લેશે તો તેને 210 રૂપિયા પ્રતિ મહિના ચાર્જ આપવો પડશે. 2TB અને 10TB માટે યૂઝર્સે અનુક્રમે 650 રૂપિયા અને 3250 રૂપિયા મહિને ચાર્જ આપવો પડશે. (પ્રતિકાત્મક તસવીર)