

જો તમને પણ ઇન્ટરનેટ પર પોર્ન જોવાની આદત છે તો જરા સાવધાન થઈ જાવ! કારણ કે આવું કરવું તમને મોંઘું પડી શકે છે. હકીકતમાં સાઇબર સિક્યોરિટી નિષ્ણાતોએ એક સ્પામબોટ વિશે માહિતી મેળવી છે, જે પોર્ન જોતા લોકોની વીડિયો ક્લિપ બનાવી લે છે. જે બાદમાં આ ક્લિપનો ઉપયોગ બ્લેકમેઇલિંગ કે પછી સેક્સટોર્શન માટે કરવામાં આવે છે. આ સ્પામબોટને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેનાથી તે ઇમેલ એડ્રેસ ભેગા કરવાનું અને અણગમતા મેઇલ મોકલવાનું કામ કરે છે. આ સ્પામબોટ વિશે ફ્રાંસે માહિતી મેળવી છે, જેનું નામ Varenyky છે.


કેવી રીતે કામ કરે છે? : હકીકતમાં હેકર્સ વાયરસની મદદથી યૂઝર્સના કોમ્પ્યુટર સુધી પહોંચી જાય છે, જે બાદમાં પોર્ન વેબસાઇટ જોતા યૂઝર્સનો વીડિયો બનાવી લેવામાં આવે છે. સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂઝર્સનો પોર્નોગ્રાફીમાં અમુક વસ્તુઓ જોવાનું પસંદ કરતા હોય છે, આથી હેકર્સ તેમના કોમ્પ્યુટરનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે.


વીડિયો બનાવીને મોટી રકમની માંગણી : હેકર્સ યૂઝર્સનો વીડિયો બનાવીને તેને માહિતી આપે છે કે તેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો છે, અને તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે રેકોર્ડ કરેલા વીડિયોમાં અડધી સ્ક્રિનમાં કોમ્પ્યુટરનું બ્રાઉઝર અને અડધી સ્ક્રિનમાં વેબ કેમથી રેકોર્ડ કરવામાં આવેલો યૂઝરનો વીડિયો હોય છે. એટલું જ નહીં ધમકીભર્યા ઇમેલમાં કહેવામાં આવે છે કે યૂઝર્સની બેંક ખાતાની માહિતી, પાસવર્ડ, ફોટો, કોન્ટેક્ટ લિસ્ટ સહિતની માહિતી મેળવી લેવામાં આવી છે. જે બાદમાં એક અજાણ્યા બેંક ખાતામાં પૈસા જમા કરવાનું કહેવામાં આવે છે.


રિમોટ સર્વરમાં સેવ થાય છે વીડિયો: શિકાર બનેલા યૂઝરના વીડિયોને રિમોટ કોમ્પ્યુટરમાં સેવ કરી લેવામાં આવે છે. જેનાથી વાયરસને ડિલીટ કરવાથી કે પછી કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાની કોઈ અસર થતી નથી. હેકર્સ પાસે યૂઝરનો વીડિયો સેવ જ રહે છે. હેકર્સ તરફથી એવી પણ ધમકી આપવામાં આવે છે કે 72 કલાકની અંદર પૈસા આપવામાં નહીં આવે તો આ વીડિયો પરિવારના સભ્યો, મિત્રોને મોકલી દેવામાં આવશે તેમજ ફેસબુક, ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર પણ મૂકી દેવામાં આવશે. ઇમેલમાં એવું પણ કહેવામાં આવે છે કે આ અંગેની સાબિતી માટે યૂઝર સામે 'yes' લખીને મોકલી શકે છે, જે બાદમાં તેના છ ખાસ અગત્યના ઇમેલ પર આ વીડિયો મોકલી દેવામાં આવશે.


Varenyky કોમ્પ્યુટર સ્ક્રિનને રેકોર્ડ કરી શકે છે : ઇ-મેલમાં લખવામાં આવે છે કે માંડવાળની વાત કરીને તમારો અને મારો સમય ખરાબ ન કરવો. તમે જે પગલાં લેશો તેનું શું પરિણામ આવશે તેના વિશે વિચારી લેવું. હકીકતમાં Varenyky યૂઝરના કોમ્પ્યુટરની સ્ક્રિનનું રેકોર્ડિંગ કરી લે છે. જોકે, તે વેબકેમથી રેકોર્ડિંગ નથી કરી શકતો. હાલ આવા ઇમેલમાં કરવામાં આવેલા દાવાનો કોઈ પુરાવો નથી મળ્યો. પરંતુ એટલું માલુમ પડ્યું છે કે યૂઝર સ્ક્રિન પર શું જોઈ રહ્યો છે તેનું રેકોર્ડિંગ કરી શકાય છે અને આના આધારે યૂઝર પાસેથી સેક્સટોર્શન શક્ય છે.