

નવી દિલ્હીઃ ભારતમાં 59 ચીની (Chinese Apps Ban) એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે સરકાર ચીનની કેટલીક અન્ય 275 એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ પણ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને યૂઝર પ્રાઇવસી (User’s Privacy) માટે ખતરો તો બની ચૂકી નથી ને. સૂત્રો મુજબ, જે કંપનીઓના સર્વર ચીનમાં છે, તેમની પર પહેલા પ્રતિબંધ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


સૂત્રો મુજબ, આ 275 એપ્સમાં ગેમિંગ એપ PUBG પણ સામેલ છે, જે ચાઇનાની વેલ્યૂબલ ઇન્ટરનેટ Tencentનો હિસ્સો છે. સાથોસાથ તેમાં Xiaomiએ બનાવેલી Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ સામેલ છે. આ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ તમામ 275 એપ્સને કે તેમાંથી કેટલીક એપ્સને પ્રતિબંધિત કરી શકે છે. જોકે, જો કોઈ ખામી નહીં મળે તો કોઈ પણ એપ પ્રતિબંધિત નહીં થાય.


આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક અધિકૃત સૂત્રએ જણાવ્યું કે, ચીનની એપ્સનું સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે અને એવું પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમને ફન્ડિંગ ક્યાંથી થઈ રહ્યું છે. અધિકારી મુજબ, એવું જાણવા મળ્યું છે કે કેટલીક એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે. સાથોસાથ કેટલીક એપ્સ શૅરિંગ અને પ્રાઇવસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.


નિયમો ઘડવાની તૈયારીમાં સરકાર - રિપોર્ટ મુજબ, ભારત સરકાર હવે એપ્સ માટે નિયમ ઘડવા જઈ રહી છે, જેની પર તમામને ખરા ઉતરવું પડશે અને જો એવું નહીં થાય તો તે એપ્સ પર પ્રતિબંધનો ખતરો રહેશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ સરકારનો મોટો પ્લાન છે, જેથી સાઇબર સિક્યુરિટીને મજબૂત બનાવી શકાય અને ભારતીય નાગરિકોને ડેટાની સિક્યુરિટી રાખી શકાય. આ નિયમો અને ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવશે કે કોઈ એપને શું કરવું અને શું ન કરવું.