

ન્યૂઝ18 ગુજરાતી : સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતા વઢવાણના બલદાણા ખાતે હાર્દિક પટેલને એક વ્યક્તિએ ચાલુ સભામાં થપ્પડ મારી હતી. હાર્દિકને થપ્પડ મારનારા વ્યક્તિને લોકોએ બેરહેમીથી માર માર્યો હતો. પોલીસ મહામહેનતે તેને લોકોનાં ટોળાથી બચાવીને લઈ ગઈ હતી. લોકોના માર બાદ યુવકને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


હું જાતે જ આવ્યો હતો : હાર્દિક પર હુમલો કરનાર વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "હું જાતે જ આવ્યો હતો, મને કોઈએ મોકલ્યો નથી." પોતે પાટીદાર યુવક છે કે નહીં તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યુવકે કહ્યું હતું કે, "હું ગજ્જર છું."


મળતી માહિતી પ્રમાણે હાર્દિકને માર મારનાર યુવકનું નામ તરૂણ ગજ્જર છે અને તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. યુવકે લાફો મારતા સમયે હાર્દિકને કહ્યું કે, 'તું 14 લોકોને ભરખી ગયો. 14 પાટીદારો મરી ગયા છે.'


બનાવ બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપે તેના પર હુમલો કરાવ્યો છે. લાફો મારનાર વ્યક્તિને છોડી દેવામાં આવે. આ મામલે હાર્દિકે વઢવાણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી છે.


ભાજપ ગુંડાગીરી પર ઉતારી આવ્યું છે : હાર્દિકને લાફો મારવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, "ભાજપ ગુંડાગીરી પર ઉતરી આવ્યું છે. ભાજપની ગુંડાગીરી સામે હાર્દિક પટેલ ઝૂકશે નહીં. ભાજપના સીએમ સહિતના લોકો મતદારોને ધમકી આપવા પર ઉતરી આવ્યા છે."


ભાજપને ઈશારે હુમલો થયો : પાસ કન્વિનર મનોજ પનારાએ હાર્દિક પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપના ઈશારે હાર્દિક પટેલ પર હુમલો થયો છે. જો પાસ ટીમ ધારે તો ભાજપની એક પણ સભા નહીં થવા દે."