સુરેન્દ્રનગર: આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલી હાલ લુપ્ત થતી જાય છે. શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ છે, ત્યારે પક્ષી પ્રેમીઓ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચાલવી રહ્યા છે. લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે. ત્યારે ધ્રાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. શંભુભાઈને એક કરુણ ઘટનાથી ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી હતી. આ પ્રેરણા થકી 51 હજાર લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે વિતરણ કરી ચકલીને બચાવવા માટે લોકોને એક સંદેશો આપી રહ્યા છે. જેને લઇને તેમને ધ સ્પેરો મેન તરીકે પણ આળખે છે. કારણ કે તેમણે છેલ્લા 10 વર્ષમાં 44,000 જેટલા ચકલીઘરનું કર્યું વિતરણ કર્યું છે.
નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણમાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી અને બાળકોને અતિ પ્રિય ચકી એકંતરે લુપ્ત થતી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચકલી બચાવો અભિયાન શરૂ કરનાર ધ્રાંગધ્રાના શંભુભાઇ નામના આ વ્યક્તિની ગાથા અનેરી છે. તેમણે આ ચકલીઓને બચાવવા માટે અને આ પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં ચીચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે એવું કાર્ય હાથમાં લીધું છે.
તેમનો વ્યવસાય સુથારી કામ કરે છે. તેઓ પોતાના ધંધામાંથી સમય કાઢીને બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી, ગરમીથી રક્ષણ આપે છે. તેની આવરદા 10થી ૧૨ વર્ષની હોય છે. તેઓ અત્યાર સુધીમાં 44 હજાર જેટલા ચકલીઘર બનાવીને તેનું વિતરણ કરી ચૂક્યા છે અને તેઓ 51,000 ઘરનું પેરિત કાર્ય કરી રહ્યા છે. તેમના અંદાજ મુજબ 2024 સુધીમાં આ લક્ષ્ય પૂરું કરવાની તેમની ધારણા છે.
લાકડાના ઘર બનાવવાની પ્રેરણા તેમને તેમના ઘરમાં એક પુઠાનું ઘર લગાવેલ હતું. જેમાં ચકલીનો માળો હતો. તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પ્રત્યે અનેરો લગાવ થઈ ગયો પણ વરસાદ આવવાથી આ ચકલીનો માળો ભીજાઈને તૂટી ગયો અને માળામાંથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈને શંભુભાઈની આત્મા કંપી ઉઠી અને તેમણે નક્કી કર્યું કે, આ આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ. શંભુભાઇએ જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં, લોકોના ધરે, મંદિરો અનેક જગ્યાએ ફ્રીમાં લગાવીને ઘરે-ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું. આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી. તેમણે અનેક સંસ્થાઓઓની સાથે ચકલીધર વિનામૂલ્યે વિતરણ પણ કર્યા છે. તેમની આ અનોખી સેવા થકી અનેક જગ્યાઓએ ચકલી ચીચી કરતી પાછી જોવા મળી રહી છે.
શંભુભાઇને આ કાર્યમાં તેમના મિત્રો પણ મદદરૂપ થાય છે. સાથે કલબના સભ્યો, પક્ષીપ્રેમીઓ પણ આ સેવાકીય કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે. શંભુભાઈ ચકલીઘરની સાથે મોબાઈલ ચબૂતરા તેમજ પાણીના કુંડ પણ બનાવીને લોકોને આપી રહ્યા છે. જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પણ પીવા માટેનું પાણી અને ચણ મળે તે માટેનું કાર્ય પણ કરી રહ્યાં છે. એટલે જ શંભુભાઇના આ અનોખા સેવાયજ્ઞના કારણે લોકો તેમને પ્રેમથી ધ સ્પેરોમેન તરીકે પણ બોલાવે છે.