રાજુદાન ગઢવી: ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદી (Dr Jagdish Trivedi)એ પોતાની પત્નીનો જન્મ દિવસ (Birthday) સાવ અનોખી રીતે ઊજવ્યો છે. સુરેન્દ્રનગર (Surendrangar)માં રહેતા આ કલાકારે અનેક દેશોની સફર ખેડી છે. તેમણે તાજેતરમાં ઝાલાવાડને અનોખું દાન આપ્યું છે. જિંદગીના 50 વર્ષ પુરા કરીને અર્થ ઉપાર્જનનો ત્યાગ કરનાર ડૉ. જગદીશ ત્રિવેદીએ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં એક સરકારી પ્રાથમિક શાળા (Government primary school) પાયામાંથી નવી બનાવીને તેને પોતાના પત્ની નીતાબેનનું નામ આપ્યું છે. એટલું જ નહીં, આ શાળાનું પત્નીના જન્મદિવસે જ ઉદ્ઘાટન કરીને જન્મ દિવસની અનોખી ભેટ આપી હતી.
આ શાળાનાં ઊદ્ઘાટક અને SGVP સંસ્થા અમદાવાદના અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે, જગદીશના વસ્ત્રો જેવો જ ઊજળો એનો વાનપ્રસ્થ છે. આ સમારંભના મુખ્ય અતિથિ તેમજ વિશ્વવિખ્યાત હાસ્યકલાકાર પદ્મશ્રીથી નવાજવામાં આવેલા શાહબુદ્દીન રાઠોડે પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે, મને કોઈ પૂછે કે હાસ્યક્ષેત્રમાં આપનું શું પ્રદાન છે? તો હું ગૌરવથી કહીશ કે જગદીશ ત્રિવેદી મારું પ્રદાન છે.
ડૉ. જગદીશ ત્રિવેદીએ આ ઐતિહાસિક શાળા વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ શાળા 156 વર્ષ પહેલા હળવદના રાજવી રણમલસિંહજીએ પોતાના દરબારગઢમાં તા. ૨૦/૨/૧૮૬૫ ના રોજ શરુ કરી હતી. ત્યારબાદ ૧૬/૬/૧૯૫૬માં તત્કાલિન ધારાસભ્ય લાભશંકર મગનલાલ શુક્લ તરફથી જમીનનું દાન મળતાં સરકારે શાળા બનાવી હતી. જેનું ભૂમિપૂજન ભુદાનયજ્ઞનાં પ્રણેતા મહાત્મા વિનોબાજીએ કર્યું હતું.
આ શાળાનાં પટાંગણમાં હળવદ તાલુકાનાં તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ સાથેનો સ્મૃતિસ્તંભ પણ વરસોથી ઊભો છે. આવી ઐતિહાસિક શાળા 65 વરસ બાદ જર્જરીત થતાં મને ૨૦૨૦માં નવું ભવન બનાવવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ શાળાને મારા પત્નીનું નામ મળ્યું એ અમારા પરિવારનું અહોભાગ્ય છે. આ પ્રસંગે વિવેકગ્રામ- માંડવી કચ્છ દ્રારા પ્રકાશિત ડૉ. જગદીશ ત્રિવેદીનાં બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.