સુરેન્દ્રનગર: પત્ની સાથે ઘર કંકાસમાં જમાઈએ સાળી અને સસરાની હત્યા (Murder) કરી નાખી હોવાનો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચમી જાન્યુઆરીના રોજ બન્યો હતો. આ બનાવમાં આરોપી યુવકની પત્ની, સાસુ અને સાળો હાલ હૉસ્પિટલ (Hospital)માં સારવાર લઈ રહ્યા છે. અહીં જમ બની ગયેલા એક જમાઈ બે હાથમાં છરી લઈને સાસરિયાના લોકો પર તૂટી પડ્યો હતો. આ અંગેનો વીડિયો (Video) પણ સામે આવ્યો છે. જેમાં આરોપી પોતાના હાથમાં બે છરી સાથે નજરે પડી રહ્યો છે. બનાવ બાદ પોલીસ કાફલો ગામ ખાતે પહોંચી ગયો હતો. હત્યાકાંડ દરમિયાન આરોપી ખુદ પણ ઈજાગ્રસ્ત (Injured) થયો છે. બનાવ બાદ ગામના લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને આરોપીને તેમના હવાલે કરી દેવાની માંગણી કરી હતી.
સુરેન્દ્રનગરના થાનના સરોડી ગામે (Sarodi village double murder) આ હત્યાકાંડ બન્યો હતો. સરોડી ગામના મીનાબેન ચાવડાના લગ્ન મૂળી ખાતે રહેતા હિતેશભાઈ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા. લગ્ન બાદ મીનાબેન અને હિતેશ વચ્ચે સતત ઝઘડા થતા હોવાથી મીનાબેન છેલ્લા છ મહિનાથી પોતાના પિતાના ઘરે એટલે કે રસોડી ગામ ખાતે રહેતા હતા. મંગળવારે હિતેશ બે છરી સાથે તેના સસરાના સરોડી ગામ ખાતે પહોંચી હતો અને સાસરિયાના લોકો પર આડેધડ હુમલો કર્યો હતો. જેમાં હિતેશની સાળીનું ઘટનાસ્થળે અને સસરાનું સારવાર દરમિયાન મોત થયું છે.
હુમલામાં સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉં.વ. 22) અને દામજીભાઇ હરીભાઇ ચાવડાનું મોત થયું હતું. હિતેશે તેના સસરાના પેટના ભાગે છરી માટે દેતા તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સારવાર દરમિયાન સસરાનું મોત થયું હતું. આ ઘટનામાં આરોપીએ સાળા, પત્ની અને સાસુને પણ ઈજા પહોંચાડી હતી. તમામને સારવાર માટે વાંકાનેર ખાતે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ખુલ્લી છરી સાથે ગામમાં પહોંચેલો જમાઈ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તેના સસરાના ઘરમાં જ પુરાઈ ગયો હતો. જે બાદમાં ગામના લોકોએ પોલીસને બોલાવી હતી. ગામમાં ખેલાયેલા ખૂની ખેલને પગલે ગામના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જો પોલીસ સમયસર પહોંચી ન હોત તો ગુસ્સે ભરાયેલા લોકો આરોપીનું ઢીમ ઢાળી દેતા. પોલીસ પહોંચી ત્યારે પણ ગામના લોકોએ આરોપીને તેમના હવાલે કરી દેવાની માંગણી કરીને પોલીસને ઘેરાવ કર્યો હતો.
ગામના લોકોને ગુસ્સો એટલો ફૂટી નીકળ્યો હતો કે આરોપી જે બાઇક લઈને ગામમાં આવ્યો હતો તે બાઇકને સળગાવી દીધું હતું. આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ન હોત તો ગામમાં આનાથી પણ મોટો હત્યાકાંડ થઈ જતો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની સારવાર બાદ પૂછપરછ કરવામાં આવશે. આરોપીએ શા માટે હત્યાકાંડને અંજામ આપ્યો સહિતની પૂછપરછ કરવામાં આવશે.