અક્ષય જોષી, સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષની ખેતી કરી જિલ્લાના તેમજ સમગ્ર રાજ્યના ખેડૂતોને નવી રાહ ચીંધી છે. દ્રાક્ષનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સફળ વાવેતર છે. પરંપરાગત કપાસ સહિતના પાકના બદલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લો અગાઉ આવળ,બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે જિલ્લામાં મોટા ભાગે પરંપરાગત કપાસ, જીરૂ, ઘઉં જેવા પાકનુ જ વાવેતર કરવામાં આવતુ હતું પરંતુ છેલ્લા થોડા સમયથી ખેડૂતો પરંપરાગત વાવેતરને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે વડોદ ગામના શાંતિલાલ પટેલે પાંચ વિઘા જમીનમાં દ્રાક્ષનું સફળ વાવેતર કર્યું છે.